એશિયાટિક સિંહો માટે વિશ્વવિખ્યાત સાસણ ગીરમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. અહીં 2010માં 411 સિંહ હતા તે વધીને 2020માં 674 થયા છે. સિંહના વિચરણનો વિસ્તાર પણ ગીર ઉપરાંત ચોટીલા, સાયલા, અમરેલી, ભાવનગર વિસ્તાર મળીને કુલ ૩૦ હજાર ચોરસ કિ.મી.નો થયો છે. આ ઉપરાંત ગીર સફારી પાર્કમાં પ્રવાસીઓનું ભારણ ઘટાડવા ઉના તાલુકાના નાળિયા માંડવીમાં નવો સફારી પાર્ક તૈયાર કરવા સરકારે બજેટ મંજૂર કર્યું છે, તે અંગેની જાહેરાત ગાંધીનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ તે પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલે કરી હતી. ગીરમાં સિંહોને મુક્તપણે વિહરતા જોવા ગયા વર્ષે 8 લાખ પ્રવાસી આવ્યા હતા. સિંહોના બ્રીડિંગ સેન્ટર, આઇસોલેશન સેન્ટર, રેડિયોકોલર, ડ્રોનનો ઉપયોગ અને સિંહ સારવાર કેન્દ્રમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું પણ આયોજન કરાયું છે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સિંહના સંરક્ષણ, સંવર્ધનને પ્રાથમિકતા આપીને લાયન કન્‍ઝર્વેશન એન્ડ પ્રોટેક્શનની યોજનાઓ તથા પ્રોજેક્ટ્સ અસરકારક અને વ્યાપક બનાવ્યા છે. રાજ્યમાં લાયન એટ 2047-વિઝન ફોર અમૃતકાળના લક્ષ્ય સાથે લાયન પ્રોજેક્ટ શરૂ થયો છે. સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે આ પ્રોજેક્ટ માટે રૂ. 2900 કરોડની ફાળવણી વડાપ્રધાને કરી છે.

LEAVE A REPLY