ગુજરાતમાં ઇકો સિસ્ટમને વધુને વધુ સંતુલિત કરવાના હેતુ સાથે વન વિભાગ દ્વારા ડાંગના જંગલોમાં વધુ એક સફળ અનોખી પહેલ હાથ ધરાવવામાં આવી હતી. વન વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની વધતી સંખ્યાએ માનવ અને પ્રાણી વચ્ચે સંઘર્ષ ઘટાડવાનું મહત્વનું પગલું છે. જેને સાર્થક કરવા રાજ્યના વન વિભાગ દ્વારા ડાંગમાં શરૂ કરાયેલા ‘ડીઅર બ્રિડીંગ સેન્ટર’ના પરિણામ સ્વરૂપે આ જંગલોમાંથી લુપ્ત થયેલા હરણ-ચિત્તલનો વર્ષો બાદ પુન: વન પ્રવેશ થયો છે. ડાંગ ખાતેના ‘પૂર્ણા અભયારણ’માં તાજેતરમાં છોડાવામાં આવેલા ૫૦ હરણની સંખ્યા વધીને હવે ૬૪ થઇ છે. આ નવીન પહેલના પ્રારંભથી હવે ડાંગના જંગલોમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. આ ઉપરાંત હાલમાં વધુ ૧૧ હરણોની ડીઅર બ્રિડીગ સેન્ટરમાં માવજત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં હરણ-ચિત્તલની વસ્તીમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે ઉત્તર ડાંગ વન વિભાગ હેઠળ કાલીબેલ રેંજ કાર્ય વિસ્તારમાં ચીખલા બીટ ખાતે ડીઅર બ્રિડીંગ સેન્ટરની સ્થાપના વર્ષ ૨૦૧૦-૧૧માં કરવામાં આવી હતી. આ ઉપરાંત ફૂડ-ચેઇન પુનઃસ્થાપિત કરવા તથા તૃણાહારી-માંસાહારી પ્રાણીઓની કુદરતી ફૂડ-ચેઇન ચક્ર જળવાઈ રહે તે હેતુથી ચિત્તલ-હરણ માટે આ ડીઅર બ્રિડીંગ સેન્ટરમાં તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં પીવાના પાણી માટે ઝલર/કુંડી, ચેકડેમો, વન-તલાવડી વગેરે તેમજ હરણનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે વેટરનરી ડોકટરો અને અન્ય નિષ્ણાતો દ્વારા સેન્ટરની નિયમિતપણે મુલાકાત લેવામાં આવે છે જેથી હરણ-ચિત્તલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્ય સરકારના ગુજરાત વન્યજીવ સલાહકાર બોર્ડની ભલામણ અન્વયે વર્ષ ૧૯૭૭માં ડાંગમાં ‘પૂર્ણા વન્યજીવ અભયારણ્ય’ની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૯ અને ત્યારબાદ જૂનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી કુલ- ૩૭ ચિત્તલની ફાળવણી ઉપરાંત વાંસદાના રાજા જયવિરેન્દ્રસિંહ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૨ ચિતલને ડાંગના ડીઅર બ્રિડીંગ સેન્ટરમાં ભેટમાં આપવામાં આવ્યા હતા.
આ તમામ સ્વસ્થ ચિત્તલને તેમના બચ્ચા સાથે કુદરતી નિવાસ સ્થાન એવા પૂર્ણા અભયારણ્ય વિસ્તારમાં છોડવામાં-મુક્ત કરવામાં આવ્યા છે જે ડાંગમાં આવતા પ્રવાસીઓ માટે આકષર્ણનું કેન્દ્ર બનશે.