કેન્દ્ર સરકારે બ્રિટિશ યુગના ફોજદારી કાયદામાં ધરમુળથી ફેરફાર કરવાની શુક્રવારે એક મોટી જાહેરાત કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રણ કાયદાને બદલવા માટે સંસદના ચોમાસુ સત્રના છેલ્લા દિવસે લોકસભામાં ત્રણ નવા બિલ રજૂ કર્યા હતું. આ બિલોમાં ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા 2023 અને ભારતીય પુરાવા બિલ 2023નો સમાવેશ થાય છે. આ બિલો અનુક્રમે ભારતીય દંડ સંહિતા (IPC), કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC) અને બ્રિટિશ યુગના એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. આ ત્રણેય બિલો વિચારણા માટે સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યા છે. તેથી હજુ કાયદો બન્યાં નથી.
મોબ લિંચિંગ અને સગીરો પર બળાત્કાર જેવા ગુનાઓ માટે મહત્તમ સજા અને રાજદ્રોહને બદલે “એકતાને જોખમમાં મૂકવા”ના સંદર્ભમાં નવા ગુનાનો સમાવેશ કરવા કર્યો છે.
લોકસભામાં એક સાથે ત્રણ બિલ રજૂ કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે જૂના કાયદાઓનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને મજબૂત કરવાનું અને રક્ષણ આપવાનું હતું. તેઓ લોકોને સજા કરતાં હતા. 1860થી 2023 સુધી દેશની ફોજદારી ન્યાય પ્રણાલી બ્રિટિશ કાયદા અનુસાર હતી. નવા બિલનો હેતુ સજા નથી, પરંતુ ન્યાય છે.
અગાઉ ભારતની સુપ્રીમ કોર્ટ પણ બ્રિટિશ જમાનાનો રાજદ્વોહનો કાયદો સ્થગિત કરી ચુકી છે. આ ઉપરાંત મોબ લિંચિંગ અને સગીરો પર બળાત્કારના કેસમાં મૃત્યુદંડ સુધીની આકરી જોગવાઈ કરાઈ છે. ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ જેવા ફરાર ગુનેગારો સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાની જોગવાઈ કરાઈ છે. મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આતંકવાદી પ્રવૃત્તિઓ અને સંગઠિત અપરાધોને કડક સજાની જોગવાઈ સાથે જોડવામાં આવ્યા છે. ખોટી ઓળખ આપીને સેક્સ કરનાર વ્યક્તિને ગુનાની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.
નવા બિલમાં મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ, હત્યાઓ અને “રાજ્ય સામેના ગુનાઓ” માટેના કાયદાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. દેશામાં સામાન્ય ગુના માટે પ્રથમ વખત સમાજસેવાની પણ જોગવાઈ કરાઈ છે.