બ્રિટિશ સાંસદોની કમાણી છેલ્લા એક વર્ષમાં તેમના સાંસદ તરીકેના પગાર ઉપરાંત લગભગ 10 મિલિયન પાઉન્ડ ($6.1 મિલિયન) ની રહી હતી. ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનનો આવી કમાણીની કુલ રકમમાં લગભગ અડધો હિસ્સો રહ્યાનું એક અહેવાલમાં જણાવાયું છે.
જોન્સને 164,000-પાઉન્ડના વડા પ્રધાનના પગાર વિશે પોતે સત્તા ઉપર હતા ત્યારે તે ઓછી હોવાની ફરિયાદ કરી હતી. તેમણે ગયા વર્ષે સાંસદ તરીકેના પગાર ઉપરાંત 4.8 મિલિયન પાઉન્ડની કમાણી કરી હોવાનું ‘ધ ગાર્ડિયન’ દૈનિકના વિશ્લેષણમાં જણાવાયું હતું.
જુલાઇ 2022માં બ્રિટીશ નેતા તરીકેની હકાલપટ્ટી બાદ ભૂતપૂર્વ વડા પ્રધાને જૂનમાં સાંસદ તરીકે રાજીનામું આપ્યું હતું.
અખબારના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે વિરોધી લેબર પાર્ટી તથા અન્ય બે નાની પાર્ટીઓના સભ્યોની વધારાની 400,000 પાઉન્ડની કમાણી રહી હતી. બહારની કમાણી વિવિધ સ્ત્રોતોમાંથી આવે છે જેમાં કન્સલ્ટન્સી, ભાષણો અને ટેલિવિઝન કામનો સમાવેશ થાય છે.
ભૂતપૂર્વ બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ-મોગ આઉટલેટ માટે એક પ્રોગ્રામ હોસ્ટ કરવા બદલ દર મહિને લગભગ 29,000 પાઉન્ડની રકમ મેળવે છે. અન્ય કન્ઝર્વેટિવ નેતા, ભૂતપૂર્વ નાણા અને આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ ઈન્વેસ્ટમેન્ટ ફર્મના સલાહકાર તરીકે મહિને લગભગ 25,000 પાઉન્ડની કમાણી કરે છે.સાંસદો 86,000 પાઉન્ડનો મૂળ પગાર મેળવે છે. આ લોકપ્રતિનિધિઓ માટે બીજી જોબ્સના સમય મર્યાદિત કરવાની યોજના ગયા વર્ષે પડતી મૂકાઈ હતી.