પાકિસ્તાનના પ્રેસિડન્ટ આરિફ અલ્વીએ વડાપ્રધાન શાહબાઝ શરીફની ભલામણને પગલે નિર્ધારિત મુદતના ત્રણ દિવસ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. પ્રેસિડન્ટના નિર્ણય પછી વડાપ્રધાન શાહબાઝ શરીફે ગુરુવારે વિરોધ પક્ષના નેતા સાથે આ વર્ષના અંતમાં સામાન્ય ચૂંટણીઓ યોજવા યોજવા અને ત્યાં સુધી રખેવાળ વડાપ્રધાનની નિયુક્તિ માટે વિપક્ષના નેતા સાથે વિચારવિમર્શ કર્યો હતો. નેશનલ એસેમ્બલીના વિસર્જન બાદ 90 દિવસમાં ચૂંટણી કરવાની રહેશે.
નવી વસ્તીગણતરીના પરિણામો મંજૂર થયા હોવાથી ચૂંટણી થોડા મહિનાઓ સુધી વિલંબિત થવાની ધારણા છે. શરીફ સરકારનો 16 મહિનાનો કાર્યકાળ બુધવાર રાત્રે સમાપ્ત થયો હતો. જોકે શાહબાઝ શરીફ રખેવાળ વડાપ્રધાન તરીકે ચાલુ રહેવા માગે છે.
રખેવાળ વડાપ્રધાનની નિમણૂક ન થાય ત્યાં સુધી શાહબાજ શરીફ વડાપ્રધાન તરીકેની તેમની ફરજો નિભાવવાનું ચાલુ રાખશે. બુધવારે મોડી રાત્રે પ્રેસિડેન્શિયલ પેલેસે એક જાહેરનામામાં જણાવ્યુ હતું કે બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવામાં આવ્યું છે. કલમ 58 મુજબ જો વડાપ્રધાને ભલામણ કર્યા પછી 48 કલાકની અંદર પ્રેસિડન્ટ નેશનલ એસેમ્બલી વિસર્જન ન કરે તો તેનું આપોઆપ વિસર્જન થઈ જાય છે.
ગુરુવારે શાહબાઝ શરીફે રખેવાળ વડાપ્રધાન માટે નોમિનેશન અંગે નેશનલ એસેમ્બલીમાં વિરોધ પક્ષના નેતા રાજા રિયાઝ સાથે પરામર્શનો ઔપચારિક રાઉન્ડ યોજ્યો હતો. રખેવાળ વડાપ્રધાન માટે નામ નક્કી કરવા માટે બંધારણ મુજબ તેમની પાસે ત્રણ દિવસનો સમય છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર રખેવાળ વડાપ્રધાન માટે ત્રણ નામો દરખાસ્ત કરાઈ છે. તેમાં ભૂતપૂર્વ રાજદ્વારી જલીલ અબ્બાસ જિલાની અને પાકિસ્તાનના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ તસાદુક હુસૈન જિલાનીનો સમાવેશ થાય છે. આ નામો પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)એ પાર્ટીએ આપ્યા છે. આ ઉપરાંત સિંધના ગવર્નર કામરાન ટેસોરીના નામની મુત્તાહિદા કૌમી મૂવમેન્ટે ભલામણ કરી છે. જોકે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) દ્વારા આ મુદ્દે કોઈ જાહેર જાહેરાત કરવામાં આવી નથી.