ભારતીય મૂળના પોલીસ કોન્સ્ટેબલ નદીમ પટેલે ખતરનાક ડ્રાઇવિંગ કરી એક મહિલાના મૃત્યુ માટે જવાબદાર હોવાની કબૂલાત કર્યા બાદ કોર્ટે તેમને ત્રણ વર્ષની જેલની સજા અને 54 માસ માટે ડ્રાઇવિંગ માટે અયોગ્ય ઠેરવ્યા હતા.

PC નદીમ પટેલ ગત 28, જૂન 2021ના રોજ ઇમરજન્સી 999 કૉલનો જવાબ આપતા માર્ક્ડ પોલીસ પેટ્રોલિંગ કારમાં પૂરઝડપે જઇ રહ્યા હતા ત્યારે તેમની કારે સ્ટોકવેલ રોડ પર 25 વર્ષીય શાંતે ડેનિયલ-ફોલ્ક્સને ટક્કર મારી હતી. જેમાં તેમનું મરણ થયું હતું. નદીમની આગળ પોલીસ કાર ચલાવી રહેલા અધિકારી પીસી ગેરી થોમસનને ચાર દિવસની ટ્રાયલ બાદ લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં જ્યુરી દ્વારા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) સ્પેશિયલ ક્રાઈમ ડિવિઝનના વડા રોઝમેરી આઈન્સલીએ જણાવ્યું હતું કે, “આ ટાળી શકાય તેવી દુર્ઘટના હતી.  બંને અધિકારીઓએ ઇમરજન્સી કૉલનો જવાબ આપતી વખતે તે વિસ્તારની સ્પીડ લીમીટ મર્યાદાથી બંધાયેલા ન હતા પણ તેમણે સંખ્યાબંધ સંભવિત જોખમો અંગે તકેદારી રાખવી જોઇતી હતી. બંને અધિકારીઓ તે સાંજે સક્ષમ અને સાવચેત ડ્રાઈવરના અપેક્ષિત ધોરણથી નીચે પડ્યા હતા.”

બનાવના દિવસે ડેનિયલ-ફોલ્કેસ રાત્રે 11:20ની આસપાસ પેડેસ્ટ્રીયન ક્રોસિંગની નજીકથી પસાર થઈ રહી હતી જ્યારે થોમસનની કાર ઈમરજન્સી લાઈટ અને સાયરન સાથે પસાર થઇ હતી. તેના લગભગ ત્રણથી ચાર સેકન્ડ પછી, ડેનિયલ-ફોક્સે રોડ ક્રોસ કરવાનું ચાલુ રાખ્યું હતું અને પટેલના વાહન સાથે અથડાયા હતા. તે સમયે પટેલની કારની ઝડપ કાર 55 માઇલ પ્રતિ કલાકની હતી.

LEAVE A REPLY