યુકેનો ફુગાવો હજુ પણ ઊંચો રહ્યો છે અને જીવન-નિર્વાહ સંકટ ઘેરુ બની રહ્યું છે ત્યારે બેંક ઓફ ઈંગ્લેન્ડે (BoE) ગુરુવારે તા. 3ના રોજ સતત 14મી વખત પોતાના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરીને વ્યાજનો દર 5.25 ટકા કર્યો છે. આ વ્યાજનો દર વધારો મોરગેજ ભરતા લોકો માટે મુશ્કેલી ઉભી કરશે અને તેમની બચતમાં મોટુ ગાબડુ પાડશે.
BoE એ મીટિંગ પછી નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસી મેકર્સ “સતત ફુગાવાના દબાણ પર નજીકથી દેખરેખ રાખવાનું ચાલુ રાખશે. મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સુનિશ્ચિત કરશે કે ફુગાવાને બે ટકાના લક્ષ્ય સુધી પરત લાવવા માટે બેંક રેટ પૂરતા પ્રમાણમાં પ્રતિબંધિત છે. ”
બ્રિટનનો વાર્ષિક ફુગાવો આઠ ટકાની નજીક છે જે વર્ષના અંત સુધીમાં લગભગ પાંચ ટકા થવાની ધારણા છે. જો કે તે G7 દેશોમાં સૌથી વધુ છે તથા યુરોઝોન અને યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં ઘણો વધારે છે. યુકે સરકારે BoE ને વાર્ષિક ફુગાવાનો દર લગભગ બે ટકા સુધી લાવવાનું કામ સોંપ્યું છે. આ જાહેરાતને પગલે પાઉન્ડના મુલ્યમાં ઘટાડો થયો હતો. ટ્રેડર્સ માને છે કે વર્તમાન તકલીફોને જોતાં BoE તરફથી આ અંતિમ વધારો હોઈ શકે છે.
જૂનમાં છેલ્લી મીટીંગમાં BoEએ વ્યાજનો દર અડધો ટકો વધાર્યો હતો. તે વખતે યુકેનો વાર્ષિક ફુગાવો 8.7 ટકાથી ઘટીને 7.9 ટકા થયો હતો.
BoE ગવર્નર એન્ડ્રુ બેઇલીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “ફુગાવો ઘટી રહ્યો છે અને તે સારા સમાચાર છે. અમે જાણીએ છીએ કે ફુગાવો સૌથી વધુ સખત અસર કરે છે અને અમે તેને બે-ટકાના લક્ષ્ય સુધી પાછો લાવવા પ્રયત્નો કરીશું.”
વડા પ્રધાન ઋષિ સુનકે આગામી વર્ષે આવનારી સામાન્ય ચૂંટણી પહેલા 2023ના અંત સુધીમાં ફુગાવાને પાંચ ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
તાજેતરના વ્યાજ દર વધારા અંગે ચાન્સેલર જેરેમી હંટે કહ્યું હતું કે “જો આપણે યોજનાને વળગી રહીશું, તો બેંકની આગાહી મુજબ અર્થતંત્ર મંદીમાં આવ્યા વગર ફુગાવો એક વર્ષમાં ત્રણ ટકાથી નીચે જશે. આ સંજોગોમાં ઊંચા મોરગેજ બિલનો સામનો કરી રહેલા પરિવારોને મદદ કરવા માટે અમે જે કરી શકીએ છીએ તે કરવાનું ચાલુ રાખીશું.”
યુકેમાં વધતા વ્યાજ દરોને કારણે મોરગેજ આપતી બેન્કો અને લેન્ડર્સે તેમના નફામાં વધારો કરીને, હોમ લોન પરના વ્યાજના દરોમાં વધારો કર્યો છે. જે લોકોની ફીક્સ ટર્મ પૂરી થઇ રહી છે તેમના પર નવા મોરગેજનો વ્યાજ દર વધારો આકરા પહાડ જેવો લાગે છે.
યુક્રેન પર રશિયાના આક્રમણ બાદ ઉર્જા અને ખાદ્યપદાર્થોના ભાવોમાં વધારો થયો તે પછીના મહિનાઓમાં વૈશ્વિક ફુગાવો વધુ ખરાબ થયો હતો. યુકેમાં ફુગાવાનો દર ઓક્ટોબર 2022માં 41 વર્ષની ટોચે 11.1 ટકા પર પહોંચ્યો હતો. યુકેના તાજેતરના ગ્રોથ ડેટા દર્શાવે છે કે મે મહિનામાં અર્થતંત્રમાં થોડો ઘટાડો થયો છે.