લોકસભામાં મોદી સરકાર સામેની વિપક્ષી ગઠબંધનની અવિશ્વાસ દરખાસ્ત પર મંગળવારે બપોરે 12 વાગે ચર્ચાનો પ્રારંભ થયો હતો. ચર્ચાનો પ્રારંભ કરતાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુરથી લઈને વિદેશ નીતિ સુધી સરકાર સામે આકરા પ્રહાર કર્યાં હતા. હિંસાગ્રસ્ત મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગૃહમાં નિવેદન કરવાની ફરજ પડે તે માટે કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષી ગઠબંધનને આ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી છે.
લોકસભામાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે, તેથી આ દરખાસ્ત પસાર થવાની શક્યતા નહિવત છે, પરંતુ વિપક્ષ માને છે કે તે મુદ્દા ઉઠાવવા માટેનું યોગ્ય માધ્યમ છે. 543 સભ્યોની લોકસભામાં સત્તારૂઢ NDA પાસે હાલમાં 331 સંસદસભ્યો છે. વિપક્ષ I.N.D.I.A ગઠબંધન પાસે ગૃહમાં 144 સભ્યો છે.
લોકસભામાં અવિશ્વાસ દરખાસ્ત પર 8 અને 9 ઓગસ્ટ એમ બે દિવસ ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટે ચર્ચાનો જવાબ આપશે. આ પછી અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન થશે.
આ દરખાસ્તની ચર્ચાના દરમિયાન રાહુલ ગાંધીના મુદ્દે પણ વિવાદ થયો હતો. ભાજપના ભાજપના સાંસદોએ જણાવ્યું હતું કે સવારે સેક્રેટરી જનરલને પત્ર આવ્યો હતો કે રાહુલ ગાંધી બોલશે. અમે તેમના ભાષણની રાહ જોઈ રહ્યા છીએ. હવે ગૌરવ ગોગોઈ બોલી રહ્યા છે. 5 મિનિટમાં શું થયું? બીજેપી સાંસદોએ રાહુલના ભાષણની માંગ કરી હતી.
અવિશ્વાસ દરખાસ્ત પર ગૌરવ ગોગોઈ બાદ ભાજપના નિશિકાંત દુબેએ ચર્ચાને આગળ વધારી હતી. તેમણે કહ્યું કે મેં વિચાર્યું હતું કે રાહુલ ગાંધી બોલશે અને પછી વિપક્ષનો કોઈપણ સભ્ય બોલી શકશે નહીં. અમે પહેલાં સાંભળતા હતા કે રાહુલ ગાંધી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવા આવશે, પરંતુ કરી નહીં. કદાચ મોડેથી જાગ્યા હશે. સુપ્રીમ કોર્ટે માત્ર રાહુલ ગાંધીની સજા પર રોક લગાવી છે અને હજુ સુધી તેનો ચુકાદો આપ્યો નથી. વિપક્ષી એકતા પર નિશાન સાધતાં નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કેવિપક્ષની તમામ પાર્ટીઓ એકબીજા સાથે લડી રહી છે પરંતુ તેમ છતાં કેન્દ્રમાં ગઠબંધન કરી રહ્યા છે. અમે લાલુ યાદવને જેલમાં નથી મોકલ્યા, કોંગ્રેસે જેલમાં ધકેલ્યા હતા. સોનિયા ગાંધીનો ઉદ્દેશ્ય પુત્રને સેટ કરવાનો અને જમાઈને ભેટ આપવાનો છે.