પ્રવાસી ભારત સામે વન-ડે સીરીઝ ગુમાવ્યા પછી યજમાન વેસ્ટ ઈન્ડિઝની ટીમે ગયા સપ્તાહથી જ શરૂ થયેલી પાંચ મેચની ટી-20 સીરીઝમાં પહેલી બન્ને મેચમાં ભારતને હરાવી 2-0ની સરસાઈ સાથે સીરીઝનો ધમાકેદાર આરંભ કર્યો હતો.
ટ્રિનિડાડના ટરૌબા ખાતે બ્રાયન લારા સ્ટેડિયમમાં જ રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝના સુકાની રોવમેન પોવેલે ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો અને ટીમે 20 ઓવરમાં છ વિકેટે 149 રનનો લડાયક સ્કોર કર્યો હતો. કિંગે ઈનિંગનો આરંભ તો ધમાકેદાર કર્યો હતો, પણ પાંચમી ઓવરમાં યુઝવેન્દ્ર ચહલે બન્નેને વિદાય કર્યા હતા, તો એ પછી જ્હોનસન ચાર્લ્સ પણ ફક્ત ત્રણ રન કરી આઉટ થયો હતો. વિકેટ કીપર નિકોલસ પૂરને 41 અને સુકાની રોવમેન પોવેલે 48 રનનો સર્વોચ્ચ સ્કોર કર્યો હતો.
એ પછી ભારતની ઈનિંગનો આરંભ નબળો રહ્યો હતો અને પાંચમી ઓવરમાં 28 રનમાં તો બન્ને ઓપનર્સ વિદાય થઈ ગયા હતા. સ્ફોટક બેટિંગ માટે નામાંકિત સૂર્યકુમાર યાદવ પણ 21 રન કરી આઉટ થયો હતો. નવોદિત તિલક વર્માએ 22 બોલમાં સૌથી વધુ 39 કર્યા હતા, તો સુકાની હાર્દિક પંડ્યા 19 રન કરી વિદાય થયો હતો. એકંદરે ભારતે 9 વિકેટ ગુમાવી હતી અને તે 145 રન સુધી જ પહોંચી શક્યું હતું, જેના પગલે વેસ્ટ ઈન્ડિઝનો ચાર રને રોમાંચક વિજય થયો હતો.
રવિવારે પ્રોવિડન્સ ખાતે રમાયેલી બીજી ટી-20માં પણ વેસ્ટ ઈન્ડિઝનો ઉત્તેજનાપૂર્ણ ફિનિશ સાથે બે વિકેટે વિજય થયો હતો. ભારતે ટોસ જીતી પહેલા બેટિંગ લીધી હતી અને સાત વિકેટે 152 રન કર્યા હતા, તો જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત તો નબળી રહી હતી અને હાર્દિક પંડ્યાએ કિંગ અને ચાર્લ્સની વિકેટો ખેરવી હતી. પણ એ પછી બેટિંગમાં આવેલા નિકોલસ પૂરને વિસ્ફોટક બેટિંગ સાથે 40 બોલમાં 67 રન કરી બાજી પલ્ટી નાખી હતી. પૂરનની વિકેટ (પાંચમી) પડી ત્યાં સુધીમાં વેસ્ટ ઈન્ડિઝ માટે ટાર્ગેટ છ ઓવરમાં ફક્ત 30 રનનો રહ્યો હતો. એ પછી થોડી ઉત્તેજના સર્જાઈ હતી, 16મી ઓવરમાં ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી ત્યારે ટીમે હજી ચાર ઓવરમાં 27 રન કરવાના હતા અને ફક્ત બે વિકેટ બાકી હતી, પણ અકીલ હુસેને 10 બોલમાં 61 અને અલ્ઝારી જોસેફે 8 બોલમાં 10 રન કરી ટીમને બે વિકેટે વિજેતા બનાવી હતી.