ટેકનોલોજી વિશ્વના બે મોટા દિગ્ગજ ઇલોન મસ્ક અને માર્ક ઝકરબર્ગ વચ્ચેની લડાઈની પુષ્ટિ થઈ ગઈ છે. મસ્કએ રવિવારે જાહેરાત કરી હતી કે મેટા સીઇઓ માર્ક ઝકરબર્ગ સામે તેમની “કેજ ફાઇટ”નું X (ટ્વીટર) પર જીવંત પ્રસારણ કરાશે. આ પોસ્ટમાં મસ્કે જણાવ્યું હતું કે આ લડાઈમાંથી મળેલી તમામ કમાણી દાનમાં આપવામાં આવશે. ઝકરબર્ગે રવિવારે થ્રેડ્સ પર પોસ્ટ કર્યું હતું કે તેમણે આ મેચ માટે 26 ઓગસ્ટની તારીખનું સૂચન કર્યું હતું અને તે હજુ પણ પુષ્ટિની રાહ જોઈ રહ્યો છે. “હું આજે તૈયાર છું. ”
મેટા સીઇઓ ઝકરબર્ગે ઇન્સ્ટાગ્રામ થ્રેડ્સ પર લડતની જાહેરાત કરતા મસ્કના ટ્વિટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો. આ પોસ્ટમાં ઝુકરબર્ગે મસ્ક પર ટિપ્પણી કરી હતી કે “શું આપણે વધુ વિશ્વસનીય પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ જે ખરેખર ચેરિટી માટે નાણાં એકત્ર કરી શકે?”
તાજેતરમાં જ માર્ક ઝુકરબર્ગે ટ્વિટર જેવું પોતાનું નવું પ્લેટફોર્મ થ્રેડ્સ લોન્ચ કર્યું છે. ત્યારથી, બંને અબજોપતિઓ વચ્ચે લડાઈ જોવા મળી રહી છે. હવે એલોન મસ્ક અને માર્ક ઝુકરબર્ગ વચ્ચેની રિંગમાં ફાઇટ જોવી ખૂબ જ રોમાંચક રહેશે. એવી ધારણા છે કે જો આ લડાઈ થશે તો તે લાસ વેગાસમાં યોજાશે.