REUTERS/Adnan Abidi

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે મોદી સરનેમ મુદ્દે બદનક્ષીના કેસમાં બે વર્ષની કેદની સજા સામે સુપ્રીમ કોર્ટે ગયા સપ્તાહે સજા પર સ્ટે મૂક્યા પછી લોકસભા સચિવાલયે સોમવારે રાહુલ ગાંધીનું સાંસદપદ ફરી બહાલ કર્યું હતું. અગાઉ ગુજરાતમાં સુરત કોર્ટે આ કેસમાં બે વર્ષની સજા કર્યા પછી 24 માર્ચે 24 કલાકમાં તેમનું સાંસદપદ રદ કરાયું હતું. સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે ત્યારે રાહુલ ગાંધી ફરી સાંસદ બનતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ છવાઇ ગયો હતો.  આ ઉપરાંત, મંગળવારે (8 ઓગસ્ટ) રાહુલનો સાંસદ તરીકેનો જુનો 12 તુઘલક લેનનો બંગલો પણ તેને પાછો ફાળવાયો હતો. 

નિયમાનુસાર સાંસદપદ ગુમાવ્યા પછી રાહુલને નોટીસ અપાઈ હતી અને તેણે એપ્રિલ મહિનામાં બંગલો ખાલી કર્યો હતો. 

સંસદનું સભ્યપદ પુનઃસ્થાપિત થયા પછી કોંગ્રેસે કહ્યું હતું કે લોકસભામાં મોદી સરકાર સામેની અવિશ્વાસ દરખાસ્તની ચર્ચામાં રાહુલ ગાંધી પક્ષના મુખ્ય વક્તા રહેશે.  

ગયા સપ્તાહે શુક્રવારે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધી સામેના મોદી સરનેમ‘ અંગેના ફોજદારી બદનક્ષી કેસમાં તેને દોષિત જાહેર કરવા સામે અને મુખ્ય તો બે વર્ષની કેદની સજા સામે મનાઈહુકમ ફરમાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતની આ રાહતથી રાહુલ ગાંધી માટે સાંસદપદે બહાલ થવાનો અને આગામી ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો થયો હતો.    

સર્વોચ્ચ અદાલતે પણ મનાઈ હુકમ ફરમાવતા જો કે, જણાવ્યું હતું કે રાહુલની ટીપ્પણી ખાસ કરીને જાહેર જીવનના વ્યક્તિ માટે સારી નથી. મનાઈહુકમ ફરમાવતા સુપ્રીમ કોર્ટની બેન્ચે સુરતની બન્ને કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના નિર્ણયો સામે એવા વેધક સવાલ કર્યા હતા કે, બદનક્ષીના અપરાધમાં નિયમાનુસાર વધુમાં વધુ બે વર્ષની સજા થઈ શકે છે અને પ્રાથમિક ચૂકાદો આપનારા જજે રાહુલ ગાંધીને આ મહત્તમ સજા તો ફરમાવી દીધી પણ મહત્તમ સજા શા માટે કરાઈ, તે વ્યાજબી ઠરાવતા કોઈ કારણો કે મુદ્દાનો ઉલ્લેખ કર્યો નહોતો. સુરતના જ સેશન્સ જજ અને પછી ગુજરાત હાઈકોર્ટના જજે પણ સજા સામેની અપીલો ફગાવી દીધી પણ આ મુદ્દે કોઈ ધ્યાન જ આપ્યું નહોતું. 

અને મહત્તમ સજાના વ્યાજબીપણા સામે પ્રશ્નાર્થ હોય ત્યારે તેની સીધી અસર એ થાય કે રાહુલ ગાંધીને મહત્તમથી એકપણ દિવસની ઓછી કેદની સજા થઈ હોત તો તેણે સાંસદપદ ગુમાવવાનો વારો આવ્યો ના હોત. 

જો સુપ્રીમ કોર્ટે સ્ટે ન આપ્યો હોત તો રાહુલ સાંસદપદ ગુમાવ્યા ઉપરાંત પાંચ વર્ષ સુધી – અર્થાત લોકસભાની આગામી ચૂંટણી પણ લડી શક્યાં ન હોત.    

સુપ્રીમ કોર્ટે એમપણ જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના નિર્ણયની વ્યાપક અસર થઈ છે. માત્ર રાહુલ ગાંધીના જાહેર જીવનના અધિકારને જ નહીંપણ તેમને ચૂંટનારા મતદારોને પણ અસર થઈ હતી. ટ્રાયલ જજે મહત્તમ સજા કરવાનું કોઈ કારણ આપ્યું નથી. અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી સજાના આ હુકમ પર સ્ટે મૂકવો જરૂરી છે. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં જેઓનું નામ લીધું હતું તેમની સામે કોઈએ કેસ કર્યો નથી. રસપ્રદ વાત એ છે કે 13 કરોડના આ નાના‘ સમુદાય સામે માત્ર ભાજપના પદાધિકારીઓએ જ કેસ દાખલ કર્યા છે. ખૂબ જ વિચિત્ર લાગે તેવી વાત છે. સુપ્રીમકોર્ટે કહ્યું હતું કે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તેને દોષિત ગણવા સામે સ્ટે રહેશે. 

LEAVE A REPLY