ભારતમાં એક જમાનામાં કિચન ક્વીન તરીકે જાણીતા તરલા દલાલના જીવન આધારિત ફિલ્મ તરલા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં હુમા કુરેશી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં શારિબ હાશમી તરલાના પતિના પાત્રમાં છે. આ ફિલ્મમાં તરલાનો માસ્ટર શેફ બનવા સુધીનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. જેમાં તેના પતિ અને પરિવારનો પણ સાથ મળે છે.
તરલા યુવાન વયના હતા ત્યારથી જ કંઈક અલગ કરવા ઇચ્છતા હતા. તેઓ કહેતા કે, ‘મારે કંઈક કરવું છે પરંતુ શું તે સમજાતું નથી’. તરલાએ લગ્ન વખતે પતિ પાસેથી વચન લીધું હતું કે, જ્યારે તેને સમજાઈ જશે કે તે શું કરવા ઇચ્છે છે ત્યારે તેઓ તેને તે કરવા દેશે. લગ્ન પછી ગૃહસ્થ જિંદગી અને બાળકોને સંભાળવામાં તરલાના જીવનનો એક દશકો વીતી જાય છે. શરૂઆતથી ભોજન બનાવવામાં એક્સપર્ટ તરલાએ એકવાર પાડોશીની દીકરીને લગ્ન પહેલા સ્વાદિષ્ટ ભોજન બનાવતા શીખવ્યું હતું. પછી તો લગ્ન પહેલા રસોઇ શીખવા માગતી છોકરીઓની લાઈન લાગી ગઈ. રસોઇમાં પોતાની કુશળતાને લોકો સુધી પહોંચાડવા માટે તરલાએ કૂક બુક લખી અને ભોજન બનાવવાના ટ્રેનિંગ શો પણ કર્યા. આ દરમિયાન અનેક મુશ્કેલીઓ પણ આવી પરંતુ તરલા હિંમત ના હારી. ભારત સરકારે તેમનું પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માન કર્યું હતું.
‘દંગલ’ અને ‘છિછોરે’ જેવી સુપરહિટ ફિલ્મોમાં નિતેશ તિવારીના સહાયક લેખક રહેલા પીયૂષ ગુપ્તાએ તરલા દલાલની જિંદગીને ખૂબસૂરતી સાથે પડદા પર ઉતારી છે સાથે જ તેમના સંઘર્ષોને પણ પ્રેરણાદાયક રીતે રજૂ કર્યા છે. ફિલ્મમાં તરલાના આધારે તેમણે મહિલા સશક્તિકરણનો સંદેશ પણ આપ્યો છે. ફિલ્મની વાર્તા અને પટકથા પણ રસપ્રદ છે. એકવાર ફિલ્મ જોવાનું શરૂ કરશો તો સીધા પાંચ દાયકા પહેલાના સમયમાં પહોંચી જશો. પીયૂષ ગુપ્તાએ એવી એક વ્યક્તિની બાયોપિક બનાવવાનું બીડું ઝડપ્યું જે અત્યારે આ દુનિયામાં નથી અને તેમાં તેઓ સફળ રહ્યા છે.
વેબ સીરીઝ ‘મહારાની’માં પોતાની એક્ટિંગનો દમ દેખાડી ચૂકેલી હુમા કુરેશી ફિલ્મ નિર્માતાના ભરોસા પર ખરી ઉતરી છે. ફિલ્મમાં ઉત્તમ એક્ટિંગ કરીને તેણે સાબિત કરી દીધું છે કે, મહિલા પ્રધાન ફિલ્મો કરી શકતી અભિનેત્રીઓમાં તેનું નામ સામેલ કરી શકાય. શારિબ હાશમીએ પણ ફિલ્મમાં સારો અભિનય કર્યો છે. બાકીના કલાકારોએ પણ પોતાના પાત્ર સાથે ન્યાય કર્યો છે.