પ્રતિક તસવીર (ANI Photo)

ભારતના પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શનિવારે મૈતેઇ અને આદિવાસી સમુદાયો વચ્ચે ફરી હિંસા ફાટી નીકળતા છ વ્યક્તિના મોત થયા હતા અને 16થી વધુ લોકો ઘાયલ થયા હતા. શનિવારની હિંસા છેલ્લાં એક પખવાડિયાની સૌથી ખુંખાર હતી કારણ કે તેમાં મોર્ટાર અને ગ્રેનેડનો પણ ઉપયોગ થયો હતો. સરકારે આર્મી ગોઠવી હોવા છતાં હિંસા કાબુમાં આવતી નથી.

આ બંને સમુદાયો વચ્ચે ત્રણ મહિના પહેલા અનામતના મુદ્દે હિંસા ભડકી હતી અને હજુ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આર્મીએ આ વિસ્તારમાં એક મોટું કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં ગોળી વાગતાં ઘાયલ થયા બાદ એક બળવાખોરની ધરપકડ કરવામાં આવી હતી.

રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં કર્ફ્યુમાં કોઈ છૂટ આપવામાં આવશે નહીં

મૈતેઈ અને કુકી-આદિવાસીઓ વચ્ચે બનાવાયેલા બફર ઝોનમાં ઉગ્રવાદીઓએ શુક્રવારે મોડી રાતે બિષ્ણુપુરમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકોની હત્યા કરી હતી સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. ત્રણ મહિનાથી ચાલતી હિંસાના પગલે પાટનગર ઈમ્ફાલ સહિત રાજ્યમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. વધુમાં બિષ્ણુપુર જિલ્લામાં તોફાની તત્વોએ મોટી સંખ્યામાં પોલીસનો હથિયાર અને દારૂગોળાનો સામાન લૂંટી લીધો હતો. મણિપુરમાં ત્રણ મહિનાથી ચાલતી હિંસામાં શસ્ત્રો અને દારૂગોળાની આ સૌથી મોટી લૂંટ હતી.

પોલીસે શનિવારે સવારે જણાવ્યું હતું કે, બિષ્ણુપુરના ક્વાથામાં ત્રણ લોકો તેમના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે તલવારથી તેમની હત્યા કરાઈ હતી. હત્યારાઓ ચુરાચાંદપુરથી આવ્યા હોવાનું મનાય હતા. પિતા અને પુત્ર સહિત ત્રણ લોકો અત્યાર સુધી રાહત છાવણીમા રહેતા હતા, પરંતુ સ્થિતિમાં સુધારો થતાં તેઓ ક્વાથામાં પોતાના ઘરે પાછા ફર્યા હતા. આ ત્રણેય મૃતક મૈતેઈ સમાજના હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ તુરંત મૈતેઈ સમાજનું એક ટોળું ચુરાચાંદપુર તરફ આગળ વધ્યું હતું, પરંતુ સુરક્ષા દળોએ તેમને અટકાવ્યું હતું અને પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ લાવ્યા હતા.

છેલ્લા ત્રણ મહિનામાં રાજ્યમાં વિવિધ પોલીસ સ્ટેશન અને શસ્ત્રાગારમાંથી અંદાજે ૪,૦૦૦થી વધુ શસ્ત્રો અને લાખો ગોળીબારની લૂંટ કરાઈ છે. ૫૦૦થી વધુ લોકોના ટોળાએ શુક્રવારે જ એક પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરીને ૨૯૮ રાફઈલ, એસએલઆર, એલએમજી અને મોર્ટાર, ગ્રેનેડ સહિત ૧૯,૦૦૦ કારતૂસ લૂંટયા હતા. ટોળાએ શસ્ત્રોની સાથે ૨૫થી વધુ બુલેટપ્રૂફ જેકેટ, ૨૧ કાર્બાઈન, ૧૨૪ ગ્રેનેડ સહિતનો અન્ય દારૂગોળો પણ લઈ ગયા હતા.

LEAVE A REPLY