(ANI Photo)

ભારતના મહત્ત્વકાંક્ષી ચંદ્રયાન-3એ એક મહત્ત્વનો પડાવ સફળતાપૂર્વક હાંસલ કર્યો છે.ચંદ્રયાન-3 અવકાશયાને 22 દિવસની સફર પછી શનિવારે સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો. બેંગલુરુ સ્થિતિ મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ (MOX), ISTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) દ્વારા તેને ચંદ્રની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું, એમ ઇસરોએ જણાવ્યું હતું.

સ્પેસ એજન્સીએ સેટેલાઇટથી તેના કેન્દ્રો પર એક સંદેશ પણ શેર કર્યો હતો, જેમાં લખ્યું હતું કે  MOX, ISTRAC, આ ચંદ્રયાન-3 છે. હું ચંદ્રનું ગુરુત્વાકર્ષણ અનુભવી રહ્યો છું. ઈસરોના સૂત્રોના જણાવ્યા અનુસાર યાનને ચંદ્રની નજીક લાવવા માટે વધુ ચાર ગોળાકાર ભ્રમણકક્ષા પાર કરવાની રહેશે. રવિવારે એક ભ્રમણકક્ષા પાર કર્યા પછી 17 ઓગસ્ટ સુધી આવી ત્રણ વધુ કવાયત કરશે. આ પછી લેન્ડર અને રોવરનું સાથેનું લેન્ડિંગ મોડ્યુલ પ્રોપલ્શન મોડ્યુલથી અલગ પડશે. આ પછી લેન્ડરને ભ્રમણકક્ષામાંથી બહાર લાવવામાં આવશે અને તેને ચંદ્ર પર લેન્ડિંગ કરશે. ઈસરોના જણાવ્યા અનુસાર તે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.

ઇસરોએ 14 જુલાઇએ ચંદ્રયાન લોન્ચ કર્યું હતું. આ પછી તે ત્રણ સપ્તાહના સમયમગાળામાં પૃથ્વીથી ચંદ્રની ભ્રમણકક્ષાની નજીક પહોંચ્યું હતું. પહેલી ઓગસ્ટે સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી ચંદ્રની નજીક લાવવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3એ લોન્ચિંગ પછીથી ચંદ્રનું આશરે 66 ટકા અંતર કાપ્યું છે. ચંદ્રયાન-3નો  સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવરનો સમાવેશ થાય છે જેનો ઉદ્દેશ આંતર-ગ્રહીય મિશન માટે જરૂરી નવી ટેકનોલોજી વિકસાવવાનો અને તેનું પ્રદર્શન કરવાનો છે.

LEAVE A REPLY