2023ની શરૂઆતમાં ચાર વર્ષ પછી શાહરુખ ખાને તેની પઠાણ ફિલ્મ દ્વારા ધમાકેદાર પુનરાગમન કરી બોક્સ ઓફિસ પર ડંકો વગાડ્યો હતો.(જોકે, કમાણીના આંકડા વિવાદાસ્પદ છે). સાથોસાથ સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ કંઇ ખાસ સફળ થઇ નહોતી. પરંતુ પઠાણ પછી જે ફિલ્મો રજૂ થઇ તે બોક્સ ઓફિસ પર સુપર હિટ ન જતાં પ્રશ્ન એ થયો છે કે હિન્દી ફિલ્મોના બિઝનેસમાં ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ગ્લાસ ખાલી છે?
આ દરમિયાન તૂ જૂઠી મેં મક્કાર, ઝરા હટકે ઝરા બચકે અને સત્યપ્રેમ કી કહાની જેવી ફિલ્મોને દર્શકોએ પસંદ કરી હતી. મોટી ફિલ્મો રીલીઝ થાય છે ત્યારે આ દર્શકોની મોટી સંખ્યા જ ફિલ્મને હિટ બનાવતી હોય છે. મોટી ફિલ્મોમાં કાર્તિક આયર્ન અને કૃતી સેનનની શેહજાદા ફલોપ નીવડી હતી, સલમાન ખાન હોવા છતાં તેની કિસી કા ભાઇ કિસી કી જાન પણ ફલોપ ગઇ હતી. સૌથી મોટો ઝટકો તો આદિપુરૂષ ફલોપ જતાં બોલીવૂડમાં સોંપો પડી ગયો હતો. મુખ્ય ભૂમિકામાં પ્રભાસને ચમકાવતી આ ફિલ્મ રૂ. 500 કરોડના ખર્ચે બની હતી. આ ફિલ્મ તેના સંવાદોના કારણે વિવાદમાં ફસાઇ હતી અને તેની અસર બોક્સ ઓફિસ પર પણ પડી હતી. જ્યારે સ્ટાર અભિનેતાઓ અક્ષયકુમારની સેલ્ફી અને અજય દેવગણની ભોલા પણ દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ નીવડી હતી. ગત વર્ષે રજૂ થયેલી કાશ્મીર ફાઇલની જેમ અચાનક ધ કેરાલા સ્ટોરી પાંચમી મેએ રજૂ થઇ અને બોક્સ ઓફિસ પર વિવાદ છતાં છવાયેલી રહી હતી. જોકે, આ ફિલ્મે ખૂબ જ સારો બિઝનેસ કર્યો હતો. પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ વેચાઇ ન હોવાથી તેનાથી અલગ વિવાદ ઊભો થયો હતો.
કાશ્મીર ફાઇલ્સ અને ધ કેરાલા સ્ટોરી જેવા ગંભીર વિષયો દર્શાવતી ફિલ્મો નાના બજેટમાં બની હોવા છતાં આવક મેળવવામાં સફળ રહી તેમાં સોશિયલ મિડિયાનો ફાળો મહત્ત્વનો છે. લોકોને આ પ્રકારની ફિલ્મો સાથે જોડવાનું કામ સોશિયલ મિડિયા કરે છે. હવે હવે બાકીના પાંચ મહિનામાં બોલીવૂડમાં કેવી ફિલ્મો આવશે તેના પર ફિલ્મકારો અને ફિલ્મ રસીકોની નજર રહેશે.
સફળ ફિલ્મોની યાદી
ફિલ્મનું નામ પ્રોડક્શન ખર્ચ બોક્સ ઓફિસ પર કમાણી
પઠાણ ૨૪૦ કરોડ રૂપિયા ૫૧૨ કરોડ રૂપિયા
ધ કેરાલા સ્ટોરી ૩૦ કરોડ રૂપિયા ૨૧૧ કરોડ રૂપિયા
તૂ ઝૂઠી મેં મક્કાર 200 કરોડ રૂપિયા 220 કરોડ રૂપિયા
ઝરા હટકે ઝરા બચ કે ૪૦ કરોડ રૂપિયા ૮૩ કરોડ રૂપિયા
નિષ્ફળ ફિલ્મોની યાદી
આદિપુરૂષ ૫૦૦ કરોડ રૂપિયા ૨૭૦ કરોડ રૂપિયા
કિસી કા ભાઇ ૨૨૫ કરોડ રૂપિયા ૧૦૧ કરોડ રૂપિયા
શેહજાદા ૮૫ કરોડ રૂપિયા ૩૦ કરોડ રૂપિયા
સેલ્ફી ૧૦૦ કરોડ રૂપિયા ૧૭ કરોડ રૂપિયા
કુત્તે ૩૫ કરોડ રૂપિયા ૪ કરોડ રૂપિયા
*(બોક્સ ઓફિસના આ આંકડા અંદાજિત છે)