દિલ્હી અને ગોવા જેવા રાજ્યોએ ઓનલાઇન ગેમિંગ પર તેના સંપૂર્ણ ફેસ વેલ્યૂના 28 ટકાના દરે જીએસટી લાદવાના નિર્ણયની સમીક્ષા કરવાની માગણી કરી હોવા છતાં તેનો પહેલી ઓક્ટોબરથી અમલ થશે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી.

જીએસટી કાઉન્સિલની બેઠક પછી નાણાપ્રધાને જણાવ્યું હતું કે ઓનલાઇન ગેમિંગ પર જીએસટી લાદવા માટે કાયદામાં સુધારો કરવામાં આવશે. આ સુધારા અંગે આજની બેઠકમાં ચર્ચાવિચારણા થઈ હતી. જીએસટી કાઉન્સિલે તેની અગાઉની બેઠકમાં ઓનલાઇન ગેમિંગ પર 28 ટકાનો જીએસટી લાદવાનો નિર્ણય કર્યો હતો. તેનો અમલ કરવા માટે ટેક્સ કાયદામાં સુધારાની ચર્ચાવિચારણા કરવા બુધવારે ફરી બેઠક યોજાઈ હતી.

સીતારામને જણાવ્યું હતું કે દિલ્હીના નાણામંત્રીએ ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ વસૂલવાનો વિરોધ કર્યો હતો. જ્યારે ગોવા અને સિક્કિમે ઓનલાઇન ગેમિંગ પર ફેસ વેલ્યૂના આધારે નહીં, પરંતુ કુલ ગેમિંગ આવક (જીજીઆર)ને આધારે ટેક્સ લાદવાનું સૂચન કર્યું હતું. જોકે કર્ણાટકથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સુધીના અન્ય રાજ્યો અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયનો અમલ કરવાની માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યના કાયદાોમાં જરૂરી ફેરફાર કર્યા પછી 28 ટકા જીએસટીનો અમલ પહેલી ઓક્ટોબરથી થવાની ધારણા છે. તેના અમલના છ મહિના પછી સમીક્ષા કરવામાં આવશે.

LEAVE A REPLY