REUTERS/Ann Wang/File Photo

વેદાંત સાથેના ગુજરાતના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાંથી તાજેતરમાં ખસી જનારી તાઇવાનની અગ્રણી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોન હવે કર્ણાટકમાં બે પ્રોજેક્ટ્સમાં 600 મિલિયન ડોલરનું રોકાણ કરશે. પ્રથમ પ્લાન્ટ આઇફોનના કમ્પોનન્ટ માટેનો અને બીજો પ્લાન્ટ ચીપ મેકિંગ ઇક્વિપમેન્ટ અંગેનો હશે.

કર્ણાટકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપની $350 મિલિયનના રોકાણ સાથે આઇફોન કમ્પોનન્ટ ફેસિલિટી સ્થાપશે. તેનાથી 12,000 નોકરીઓનું સર્જન થશે. આ ઉપરાંત એપ્લાઇડ મટિરિયલ્સ સાથે ભાગીદારી કરીને $250 મિલિયનના રોકાણ સાથે ચિપ-મેકિંગ ટૂલ્સ પ્લાન્ટ સ્થાપશે.

ફોક્સકોનના ચેરમેન યંગ લિઉ અને કર્ણાટકના આઈટી પ્રધાન પ્રિયાંક ખર્ગે વચ્ચે એક મિટિંગ થયા પછી ઈન્વેસ્ટમેન્ટ અંગે આ નિર્ણય લેવાયો હતો. તેમાં ઈન્ડસ્ટ્રીઝ પ્રધાન એમ બી પાટીલ પણ સામેલ હતા. કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલી એક સેમી કન્ડક્ટર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ફોક્સકોનના અધિકારીઓ ભારત આવ્યા હતા.

તેમણે તમિલનાડુમાં પણ રોકાણ કરવાની યોજના સાથે કેટલીક બેઠકો યોજી હતી. ત્યાર પછી તમિલનાડુ સરકારે જાહેરાત કરી હતી કે ફોક્સકોન એક નવું ઈલેક્ટ્રોનિક કમ્પોનન્ટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવામાં આવશે જેના માટે કંપની 19.4 કરોડ ડોલરનું રોકાણ કરશે અને તેના કારણે રાજ્યમાં 6000 લોકોને રોજગારી મળશે.

આ ઉપરાંત ફોક્સકોન ચિપ ઉત્પાદન માટે ભારતમાં કુલ 10 અબજ ડોલરનું રોકાણ કરવાની છે. ગુજરાતમાં તે વેદાંતા ગ્રૂપ સાથે મળીને ઉત્પાદન કરશે તેમ માનવામાં આવતું હતું પરંતુ તેણે વેદાંતા સાથે છેડો ફાડી નાખ્યો છે. બીજી તરફ અનિલ અગ્રવાલની કંપની વેદાંતાએ કહ્યું કે તેમણે નવા ટેકનોલોજી પાર્ટનરની શોધ કરી લીધી છે જેની મદદથી તે પોતાની સેમીકન્ડક્ટર પ્લાન્ટની યોજનાને આગળ વધારશે. ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે અગાઉ જ વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં 20 અબજ ડોલરના રોકાણ સાથે ચિપ્સ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા કરાર કર્યા હતા.

LEAVE A REPLY