(Photo by Chris Jackson/Getty Images)

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેમના પત્ની સોફી ગ્રીગોર ટ્રુડોએ તેમના લગ્નજીવનનો અંત લાવવાની બુધવારે જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. જસ્ટિન ટ્રુડો અને સોફીના 18 વર્ષના લગ્ન જીવનનો અંત આવ્યો હતો. ટ્રુડો અને સોફી 2005માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પોતાના 18 વર્ષ લાંબા લગ્ન જીવન દરમિયાન તેમને ત્રણ બાળકો પણ થયા છે, જેમાં 15 વર્ષીય ઝેવિયર, 14 વર્ષીય એલા-ગ્રેસ અને નવ વર્ષીય હેડ્રિઅન સામેલ છે.

બંનેએ બુધવારે ઈન્સ્ટાગ્રામ પર એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઘણી  મહત્વની અને મુશ્કેલ ચર્ચા-વિચારણા બાદ તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાનની કચેરી એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંનેએ કાયદાકીય રીતે અલગ થવાના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. બંને હંમેશા પરિવારના સભ્યો રહેશે અને વડાપ્રધાન તથા સોફી એક સુરક્ષિત, પ્રેમાળ અને સ્વસ્થ વાતાવરણમાં પોતાના બાળકોના ઉછેર માટે ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ટ્રુડો પરિવાર આગામી સપ્તાહે સાથે જ વેકેશન પર જશે.

જસ્ટિન ટ્રુડો અને સોફીએ 2003માં ડેટિંગ શરૂ કર્યું હતું ત્યારે સોફી એક ટીવી પર્સનાલિટી તરીકે કામ કરી રહ્યા હતા. સોફી જસ્ટિન ટ્રુડોના નાના ભાઈ માઈકલની ક્લાસમેટ હતી. સોફી મેન્ટલ હેલ્થ અને ઈટિંગ ડિસઓર્ડર માટેના પોતાના ચેરિટી વર્ક માટે પણ જાણીતા છે.

જસ્ટિન ટ્રુડો હાલમાં કેનેડાના વડાપ્રધાન છે અને આ સાથે તેઓ વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન પત્નીથી અલગ થનારા કેનેડાના બીજા વડાપ્રધાન બન્યા છે. અગાઉ તેમના પિતા પીએરે ટ્રુડો પણ તેઓ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમની પત્નીથી અલગ થયા હતા. પીએરે ટ્રુડો 1979માં પત્ની માર્ગારેટથી અલગ થયા હતા અને 1984માં તેમણે છૂટાછેડા લીધા હતા.

 

 

LEAVE A REPLY