મહત્ત્વકાંક્ષી ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સ લોન્ચિંગના દસ વર્ષની ઉજવણી માટે ઇસ્લામાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પોતાના સંદેશમાં ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે જણાવ્યું હતું કે ચીન તેના વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તેના તેના મિત્ર દેશ પાકિસ્તાન સાથે કામ કરવાનું ચાલુ રાખશે. આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય ગમે તેટલા બદલાય, ચીન હંમેશા પાકિસ્તાનની સાથે મક્કમતાથી ઊભું રહેશે
અહીં ઉલ્લેખનીય છે કે 60 બિલિયન ડોલરનો CPEC ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તે પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે, તેનો ભારત વિરોધ કરી રહ્યું છે કારણ કે તે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થાય છે. આ કાર્યક્રમમાં ચીનના વાઇસ વડાપ્રધાન હી લિફેંગે હાજરી આપી હતી.
જિનપિંગે જણાવ્યું હતું કે 2013માં શરૂઆત થઈ ત્યારથી ચીન અને પાકિસ્તાન વ્યાપક પરામર્શ, સંયુક્ત યોગદાન અને સહિયારા લાભોના સિદ્ધાંત હેઠળ CPECને આગળ વધારી રહ્યા છે અને તેના સંખ્યાબંધ પ્રારંભિક લાભો પણ મળ્યા છે. CPEC પાકિસ્તાનના આર્થિક અને સામાજિક વિકાસમાં નવી ગતિ ઉમેરી છે તથા પ્રાદેશિક જોડાણ માટે સારો પાયો નાખ્યો છે. આ પ્રોજેક્ટ ચીન અને પાકિસ્તાન વચ્ચેની મિત્રતાનું આબેહૂબ પ્રમાણપત્ર છે તથા નવા યુગમાં સહિયારા ભાવિ સાથે ચીન-પાકિસ્તાનના સમુદાયના નિર્માણ માટે મહત્વપૂર્ણ આધાર પૂરો પાડે છે. ચીન અને પાકિસ્તાન એકંદર આયોજનમાં સુધારો કરવાનું ચાલુ રાખશે અને સહયોગને વિસ્તારશે અને ગાઢ બનાવશે, તે બાબત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે ભલે આંતરરાષ્ટ્રીય સ્થિતિમા ગમે તેટલી બદલાય, ચીન હંમેશા પાકિસ્તાનની સાથે મજબૂત રીતે ઊભું રહેશે.