સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ જીઆઈડીસીમાં આવેલી નીલમ ઈન્ડસ્ટ્રીઝમાં બુધવારે ગેસ ગળતરની ઘટનામાં ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જોખમી રસાયણોથી ભરેલા ડ્રમ ખોલતી વખતે અજાણતા ઝેરી ગેસ શ્વાસમાં લેવાથી ચાર કામદારોએ ગૂંગળામણમાં દમ તોડી દીધો હતો.
મૃતકોમાં બે કામદારો અંકલેશ્વરના હતો. એક કાપોદ્રાનો અને એક રાજસ્થાનનો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ કીમની સાધના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ચાર મૃતકોની ઓળખ ઈમ્તિયાસ અબ્દુલ શેખ, (45), અમીન પટેલ અને અરુણ ઉમર (22) અને રાઘાજી (54) તરીકે થઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. માંગરોળ મામલતદાર અને જીપીસીબીની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. માંગરોળ મામલતદારે ઘટના અંગે મીડિયાને જણાવતા કહ્યું કે, મોટા બોરસરા ગામે નીલમ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનું મટિરિયલ સ્ટોર કરવામાં આવ્યું હતું. જે કેમિકલની પાસે 5 લોકોએ ડ્રમનું ઢાંકણુ ખોલતા કેમિકલની ફ્યુમસના કારણે પાંચેય લોકો ત્યાં બેભાન થઈ ગયા હતા.