ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસતા 30 જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ 78 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યસભરમાં સરેરાશ 27 ઇંચ વરસાદ વરસી ચુક્યો હતો. જૂન મહિનામાં સરેરાશ 9.56 ઇંચ અને જુલાઇમાં 30 દિવસમાં 17.28 ઇંચ વરસાદ વરસ્યો હતો. 30 જુલાઇ સુધીમાં 45 તાલુકામાં 40 ઇંચથી વધુ અને 101 તાલુકામાં 20થી 40 ઇંચ વરસાદ નોંધાયો હતો. પ્રદેશવાર જોઇએ તો કચ્છમાં સૌથી વધુ સિઝનનો 135.57 ટકા વરસાદ નોંધાયો હતો. 30 જુલાઇ સુધીમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 19.33 ઇંચ સાથે સૌથી ઓછો 60.66 ટકા, ઉત્તર ગુજરાતમાં સરેરાશ 18.68 ઇંચ સાથે 65.23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 69.69 ટકા અને સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં ગયા વર્ષે 30 જુલાઇ સુધીમાં સિઝનનો સરેરાશ 41 ઇંચ સાથે 70 ટકા વરસાદ પડ્યો હતો. આમ ગયા વર્ષની તુલનાએ વધુ વરસાદ નોંધાયો હતો. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ 74.60 ઇંચ અને નવસારીમાં 60 ઇંચ વરસાદ પડ્યો હતો.
તાલુકાવાર ધોરણે જોઇએ તો વલસાડ જિલ્લાના કપરાડામાં 93.26 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના જ વાપી તાલુકામાં 80 ઇંચ અને ઉમરગામમાં 79 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રણપ્રદેશ ગણાતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વખતે સરેરાશ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો. કચ્છમાં 1993થી 2022ની સરેરાશ પ્રમાણે સરેરાશ 18.26 ઇંચ વરસાદ થતો હોય છે, જેની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 24.75 ઇંચ વરસાદ પડ્યો હતો. કચ્છના ગાંધીધામમાં સિઝનનો 171 ટકા, અબાડાસામાં 157 ટકા, મુન્દ્રામાં 143 ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ચોમાસામાં પડતાં સરેરાશ 24.82 ઇંચ સામે 30.86 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતમાં છેલ્લા દોઢ મહિનામાં સિઝનનો 85 ટકા વરસાદ વરસી ચુક્યો હતો. રાજ્યમાં છેલ્લામાં 15 દિવસમાં જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. જેના કારણે જુનાગઢમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદને કારણે સામાન્ય જીવન પર અસર જોવા મળી હતી. ગિરનાર પર્વત પર 17 ઈંચ જેટલો પુષ્કળ વરસાદ થતા જુનાગઢમાં પાણી ભરાઈ ગયા હતા.