હિંસાગ્રસ્ત મણિપુરની બે દિવસની મુલાકાત લઇને વિપક્ષનું પ્રતિનિધિમંડળ દિલ્હી પરત આવ્યું હતું તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે મણિપુરમાં સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને સરકાર કડક પગલાં લઈ રહી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર કોઇ પગલાં લઇ રહી ન હોવાથી રાજ્યમાં અનિશ્ચિતતા અને ભયનો માહોલ છે.
વિપક્ષી સાંસદોએ જણાવ્યું હતું કે ત્રણ મહિનાથી ઇન્ટરનેટ પર પ્રતિબંધને કારણે અફવાને વેગ મળ્યો છે, તેનાથી સમુદાયો વચ્ચે અવિશ્વાસની ખાઈ વધુ પહોળી થઈ છે. માનનીય વડાપ્રધાનનું મૌન મણિપુરમાં હિંસા પ્રત્યે તેમની નિર્લજ્જ ઉદાસીનતા દર્શાવે છે. આવેદનપત્રમાં રાજ્યપાલને વિનંતી કરાઈ છે કે તેઓ છેલ્લાં 89 દિવસથી મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ભાંગી પડી હોવા અંગે કેન્દ્ર સરકારને માહિતી આપે, જેથી કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરી શકે.
વિપક્ષના ઇન્ડિયા ગઠબંધને ભારપૂર્વક જણાવ્યું હતું કે આશરે ત્રણ મહિનાથી ચાલી રહેલી વંશિય હિંસાનો ટૂંકસમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો તેનાથી દેશ માટે સુરક્ષા સમસ્યાઓ ઊભી કરી શકે છે.
અગાઉ વિપક્ષના 21 સાંસદોનું પ્રતિનિધિમંડળ મણિપુરના ગવર્નર અનુસુયા ઉઇકેને રાજભવનમાં મળ્યું હતું અને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે હજારો લોકો વિસ્થાપિત થયા છે. તેઓ જાણતા નથી કે તેઓ તેમના ઘરે ક્યારે પાછા ફરશે. ખેતી અટકી ગઈ છે. મને ખબર નથી કે કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચેના મતભેદોને કેવી રીતે દૂર કરવામાં આવશે. આખુ મણિપુર સળગી રહ્યું છે ત્યારે પીએમ વાંસડી વગાડી રહ્યાં છે.
બે દિવસની મુલાકાત દરમિયાન તેમના અનુભવ વિશે વાત કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે ખીણના લોકો (મૈતેઇ) પહાડીઓ (જ્યાં કુકીઓ રહે છે) પર જઈ શકતા નથી અને પહાડી લોકો ખીણમાં આવી શકતા નથી. રાશન, ઘાસચારો, દૂધ, બેબી ફૂડ અને અન્ય તમામ જરૂરી વસ્તુઓની ભારે અછત છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ખોરવાઈ ગયું છે. અમે આ બધું રાજ્યપાલને સમજાવ્યું છે, જેમણે કહ્યું કે આ મુદ્દાઓને સામૂહિક રીતે ઉકેલવા જોઈએ,”
વિપક્ષી પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે સરકારી તંત્ર વંશીય સંઘર્ષને નિયંત્રિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનની કરતાં તેમણે આક્ષેપ કર્યો હતો કે રાજ્યની સ્થિતિ અંગે વડાપ્રધાન મોદી સંપૂર્ણ ઉદાસીનતા દાખવી રહ્યાં છે.