હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીની અરજીને ધ્યાનમાં રાખીને ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ લગ્નસમારંભમાં બોલિવૂડના ગીતો વગાડવાથી કોપિરાઈટ એક્ટનો ભંગ થતો નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ ઘણીવાર આવા જાહેર પ્રસંગોમાં બોલિવૂડ સોન્ગ વગાડવા મુદ્દે કોપિરાઈટની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કોપિરાઈટ કંપનીઓ ઘણીવાર કેટલાક સોન્ગ વગાડવા માટે લાઈસન્સ ફી પણ માગતી હતી. આના કારણે બિનજરૂરી વિવાદો ઊભા થતાં હતા. ઈવેન્ટ ઓર્ગેનાઈઝર, હોટલ અને સેલિબ્રેશનનું આયોજન કરનારા લોકો કાયદાકીય લડતમાં ફસાઇ જતાં હતા.
ડિપાર્ટમન્ટ ઓફ પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)એ 24 જુલાઈએ જાહેર નોટિસ બહાર પાડીને જણાવ્યું હતું કે લગ્ન સમારંભમાં ગીતો વગાડવા માટે કોપિરાઈટ સોસાયટીઝ દ્વારા રોયલ્ટી મુદ્દે લોકો પાસેથી અનેક ફરિયાદો મળી હતી. આને જોકે નિયમો પ્રમાણે જોઈએ તો કોપિરાઈટનું ઉલ્લંઘન નથી ગણવામાં આવતું. આ કલમ સ્પષ્ટ કરે છે કે કોઈપણ જાહેર સ્થળે કે પછી લગ્ન પ્રસંગ કે અન્ય ધાર્મિક સમારંભમાં જો સોન્ગ વગાડવામાં આવે તો એ કોપિરાઈટનું ઉલ્લંઘન ન ગણી શકાય. આની સાથે ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ અને અન્ય જાહેર કાર્યક્રમ કે જેમાં લગ્ન, બર્થડે કે અન્ય સેલિબ્રેશન હોય તેમાં કોઈપણ સોન્ગ વગાડશો તો કોપિરાઈટ લાગશે નહીં.