પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતની માથાદીઠ આવક 2030ના નાણાકીય વર્ષ સુધી આશરે 70 ટકા વધી 4,000 ડોલર થવાનો અંદાજ છે. દેશની માથાદીઠ આવક 2023માં 2,450 ડોલર હતી. માથાદીઠ આવકમાં મોટા વધારાને પગલે ભારતને આ સમયગાળા સુધીમાં 6 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સાથે મિડલ ઇનકમ ઇકોનોમી બનવામાં મદદ મળશે, એમ સ્ટાન્ડન્ડ ચાર્ટર્ડ બેન્કના એક રીસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.

ભારતમાં માથાદીઠ આવક 2001માં 460 ડોલર હતી, જે 2011માં વધીને 1,413 ડોલર થઈ હતી અને 2021માં વધીને 2,150 ડોલર થઈ હતી. વૃદ્ધિનું સૌથી મોટું પ્રેરકબળ વિદેશી વેપાર હશે, જે 2030 સુધીમાં 2.1 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. ચાલુ વર્ષે ભારતનો વિદેશી વેપાર 1.2 ટ્રિલિયન ડોલર હતો અને જીડીપી 3.5 ટ્રિલિયન ડોલરની હતી.

રીપોર્ટમાં જણાવ્યા મુજબ માથાદીઠ જીડીપીમાં વૃદ્ધિનું બીજુ મહત્ત્વનું પ્રેકબળ ઘરેલુ વપરાશ હશે, જે 2030 સુધીમાં વધીને 3.4 ટ્રિલિયન ડોલર થવાનો અંદાજ છે. ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેઓ સુનિશ્ચિત કરશે કે તેમની આગામી કાર્યકાળ દરમિયાન અર્થતંત્ર $ 5 ટ્રિલિયન ડોલરનું બને. જે તેને યુએસ અને ચીન પછી ત્રીજા ક્રમનું સૌથી મોટું ઇકોનોમી બનાવશે. હાલમાં જાપાન ત્રીજા ક્રમે અને જર્મની ચોથા ક્રમે છે.

હાલમાં તેલંગાણામાં માથાદીઠ આવકના સંદર્ભમાં તેલંગણા ટોચના સ્થાને છે. તેની માથાદીઠ આવક 2023માં રૂ 2,75,443 અથવા 3,360 ડોલર રહી હતી. ત્યારબાદ કર્ણાટક (રૂ.2,65,623), તમિલનાડુ (રૂ.2,41,131), કેરળ (રૂ. 2,30,601), અને આંધ્રપ્રદેશ (રૂ.2,07,771)નો ક્રમ આવે છે. પરંતુ અહેવાલમાં જણાવ્યા મુજબ માથાદીઠ આવકના સંદર્ભમાં ગુજરાત નાણાકીય વર્ષ 2030 સુધીમાં ટોચના સ્થાને હશે. આ પછી મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, હરિયાણા, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો નંબર આવશે.

 

LEAVE A REPLY