અરુણાચલપ્રદેશના કેટલાક ખેલાડીઓને “સ્ટેપલ્ડ વિઝા” જારી કરવા બદલ ચીનની આકરી ટીકા કરતાં ભારતે આવા નિર્ણયને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ચેતવણી આપી હતી કે ભારત પણ આવી હિલચાલનો યોગ્ય જવાબ આપવાનો અધિકાર ધરાવે છે. ચીનની આવી અવળચંડાઇને કારણે ભારતે પોતાની ટીમની ચીન મુલાકાતને રદ કરી દીધી હતી.
ચીને અરુણાચલપ્રદેશના ત્રણ ખેલાડીઓને સ્ટેપલ્ડ વિઝા આપતા વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા માટે ચીનના ચેંગડુમાં વુશુ ખેલાડીઓની 12 સભ્યોની ટીમની મુલાકાત બુધવારે રાત્રે રદ કરી હતી. સરકારે આ બાબતની તપાસ કર્યા બાદ ટીમની યાત્રા પર રોક લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય ટીમના અન્ય સભ્યોને સામાન્ય વિઝા મળ્યાં હતાં, જ્યારે અરુણાચલપ્રદેશના ખેલાડીઓને સ્ટેપલ વિઝા આપવામાં આવ્યા હતા,
સ્ટેપલ્ડ વિઝા એટલે એવા વિઝા કે જેમાં અરજદારના પાસપોર્ટ પર સીધો વિઝા સ્ટેમ્પ લગાવવામાં આવતો નથી, પરતુ તેને સ્ટેપલ સાથે પાસપોર્ટ સાથે જોડવામાં આવે છે. અહીં ઉલ્લેખનીય છે કે ચીન અરુણાચલપ્રદેશ પર પોતાના દાવો કરે છે. તેથી તેને અરુણાચલપ્રદેશના ખેલાડીઓને આવા વિઝા આપ્યા છે.
બાગચીએ જણાવ્યું હતું કે ભારતે આ બાબતે ચીન સમક્ષ તેનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે અને જણાવ્યું છે કે ભારતીય નાગરિકો માટે વિઝા સિસ્ટમમાં ડોમિસાઇલ અથવા વંશીયતાના આધારે કોઈ ભેદભાવ ન થવો જોઇએ.