ડિપાર્ટમેન્ટ ફોર લેવલિંગ અપ, હાઉસિંગ અને કોમ્યુનિટીઝના સત્તાવાર આંકડાઓ અનુસાર ઇંગ્લેન્ડમાં અસ્થાયી આવાસમાં રહેતા લોકોની સંખ્યા 25 વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી છે. 31 માર્ચના રોજ લગભગ 105,000 પરિવારો અસ્થાયી આવાસમાં રહેતા હતા જેમાં 131,000થી વધુ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ આંકડો ગયા વર્ષના તે જ દિવસની સંખ્યા કરતા 10 ટકા વધારે છે.
અસ્થાયી આવાસનો આ આંક 2004માં 101,300 હતો. માર્ચથી ત્રણ મહિનામાં લગભગ 14,000 પરિવારો હોટલમાં અથવા બેડ એન્ડ બ્રેકફાસ્ટમાં રહેતા હતા. ઘરવિહોણા વૃદ્ધ લોકોની સંખ્યામાં પણ તીવ્ર વધારો થયો છે.
એક સરકારી આંકડા મુજબ ઘરવિહોણા અને રફ સ્લીપિંગનો સામનો કરતા લોકોને મદદ કરવા માટે ત્રણ વર્ષમાં સરકારે £2 બિલિયન આપ્યા છે. સરકાર દર વર્ષે 300,000 નવા ઘરો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે અને પોસાય તેવા ગુણવત્તાવાળા ઘરો બનાવવા માટે £11.5 બિલિયનનું રોકાણ કરે છે.