(ANI Photo)

મણિપુરના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવાની ફરજ પાડવા માટે વિપક્ષે કેન્દ્ર સરકાર વિરુદ્ધ બુધવારે લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જોકે લોકસભાના સ્પીકરે આ દરખાસ્ત પર ચર્ચા અને મતદાનની તારીખ જાહેર કરી ન હતી.

કોંગ્રેસના ગૌરવ ગોગોઈ દ્વારા દાખલ કરવામાં આવેલ અવિશ્વાસની દરખાસ્તને ગૃહમાં 50 સભ્યોના સમર્થનની જરૂર હતી. આ દરખાસ્તને કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા, ડીએમકેના ટીઆર બાલુ અને એનસીપીના નેતા સુપ્રિયા સુલે સહિત વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા સાથે જોડાયેલા સાંસદોએ સમર્થન કર્યું હતું.

અગાઉ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ વિરોધ પક્ષોના નેતાઓએ બુધવારે સવારે બેઠક બોલાવી હતી કોંગ્રેસે તેના તમામ સાંસદોને વ્હિપ જારી કરીને બુધવારે લોકસભામાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યુ હતું કે મણિપુરના મુદ્દે સરકાર અને વડાપ્રધાન મોદીને બોલવાની ફરજ પાડવા માટે છેલ્લાં પ્રયાસ તરીકે વિપક્ષ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

લોકસભામાં ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી છે તેથી આ દરખાસ્ત પસાર થવાની શક્યતા નહિવત છે, પરંતુ વિપક્ષ માને છે કે તે મુદ્દા ઉઠાવવા માટેનું યોગ્ય માધ્યમ છે. ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) દ્વારા અલગ અવિશ્વાસની દરખાસ્ત પણ દાખલ કરવામાં આવી હતી, જે ગૃહમાં માત્ર નવ સભ્યો ધરાવે છે અને તેથી જરૂરી સમર્થન એકત્ર કરી શક્યું નથી.

543 સભ્યોની લોકસભામાં સત્તારૂઢ NDA પાસે હાલમાં 331 સંસદસભ્યો છે. વિપક્ષ I.N.D.I.A ગઠબંધન પાસે ગૃહમાં 144 સભ્યો છે. તેથી આ દરખાસ્ત પસાર થવાની કોઇ શક્યતા નથી.

LEAVE A REPLY