123 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર હંકારી તેની ફિલ્મ બનાવનાર આદિલ ઇકબાલને “સૌથી વધુ અવર્ણનીય અવિચારી ડ્રાઇવિંગ” કરી બે બાળકોની સગર્ભા માતાને ટક્કર મારી તેનું મોત નિપજાવવા બદલ દોષિત ઠેરવી માન્ચેસ્ટરની મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટે 12 વર્ષની જેલની સજા અને 14 વર્ષ સુધી ડ્રાઇવિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો.
એક્રિંગ્ટન, લેન્કેશાયરના 22 વર્ષીય આદિલ ઈકબાલે 13 મેના રોજ ગ્રેટર માન્ચેસ્ટરના બરીમાં M66 પર ખતરનાક ડ્રાઈવિંગ કરીને 38 વર્ષીય ફ્રેન્કી જુલ્સ-હોગનું મોત નિપજાવ્યું હોવાની અને તેણીના નવ વર્ષના પુત્ર અને ચાર વર્ષના ભત્રીજાને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું કબુલાત કરી હતી.
બનાવના દિવસે ઇકબાલ તેના પિતાની BMW કાર એક હાથે ચલાવી રહ્યો હતો અને બીજા હાથે તેનો ફોન પકડીને તેની ફિલ્મ બનાવતો હતો જેથી તે સંભવતઃ તેને ફેસબુક પર અપલોડ કરી શકે. આ સમયે કારનું ટાયર પંકચર થઇ જતા રોડ સાઇડે હાર્ડ શોલ્ડર પર બે પુત્રો અને ભત્રીજા સાથે ઉભા રહેલા શ્રીમતી જુલ્સ-હોગને આદિલે અડફેટમાં લઇ લીધા હતા. તેણીના પુત્ર અને ભત્રીજાને મગજની ગંભીર ઇજાઓ થવાના કારણે કોમામાં જતા રહ્યાં હતાં.
ઇકબાલને 2019 માં વીમા વગર ડ્રાઇવિંગ કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો તથા આ અકસ્માતના બે મહિના પહેલા તેની આઉડી કાર રોકી તેને પોલીસે ચેતવણી આપી હતી.