George Alagiah

બીબીસીમાં લાંબા સમય સુધી સેવા આપનાર, સૌથી પ્રતિષ્ઠિત પત્રકારોમાંના એક અને 2008માં પત્રકારત્વની સેવાઓ માટે OBE સન્માન મેળવનાર શ્રીલંકામાં જન્મેલા બીબીસીના પત્રકાર, પ્રેઝન્ટર અને ન્યૂઝરીડર જ્યોર્જ અલાગાયનું કેન્સરનું નિદાન થયાના નવ વર્ષ પછી 67 વર્ષની વયે અવસાન થયું છે. BBC સાથેની ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દી દરમિયાન તેમણે અનેક એવોર્ડ જીત્યા હતા.

22 નવેમ્બર, 1955ના રોજ કોલંબોમાં જન્મેલા જ્યોર્જ પહેલા ઘાના ગયા હતા અને ત્યાંથી માઇગ્રન્ટ તરીકે ઇંગ્લેન્ડ આવ્યા હતા. તેઓ 1989માં વિદેશી બાબતોના સંવાદદાતા તરીકે બીબીસીમાં જોડાયા હતા. આફ્રિકાના સંવાદદાતા તરીકે, તેમણે 1990ના દાયકાની શરૂઆતમાં સોમાલિયામાં દુષ્કાળ અને યુદ્ધ અંગે વિસ્તૃત અહેવાલ આપ્યો હતો. ઉત્તરી ઇરાકના કુર્દ સામે સદ્દામ હુસૈનના નરસંહાર અભિયાનને આવરી લેવા બદલ 1994માં બાફ્ટા માટે તેમને નામાંકિત કરાયા હતા. 1994માં, બુરુન્ડીમાં ગૃહયુદ્ધના કવરેજ માટે તેમને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જર્નાલિસ્ટ ઓફ ધ યર તરીકે એવોર્ડ અપાયો હતો. તે જ વર્ષના ટેલિવિઝન પત્રકાર માટે બ્રોડકાસ્ટિંગ પ્રેસ ગિલ્ડનો એવોર્ડ પણ જીત્યો હતો. 2020માં અલાગાયને તેમની પ્રથમ નવલકથા ‘ધ બર્નિંગ લેન્ડ’, પોલ ટોર્ડે કેટેગરી માટે ‘સોસાયટી ઑફ ઓથર્સ એવોર્ડ’ માટે શોર્ટલિસ્ટ કરાયા હતા. જે 60 વર્ષથી વધુ ઉંમરના લેખકોની પ્રથમ નવલકથાને માન્યતા આપે છે.

તેમણે 2003માં બીબીસી ન્યૂઝ એટ સિક્સ, બીબીસી વન ઓ’ક્લોક ન્યૂઝ, નાઈન ઓ’ક્લોક ન્યૂઝ અને બીબીસી ફોર ન્યૂઝ કાર્યક્રમો રજૂ કર્યા હતા. અલાગાયે ઘણા વર્ષો સુધી બીબીસી વર્લ્ડ ન્યૂઝ પર પોતાનો શો રજૂ કર્યો હતો. અલાગાય છેલ્લા 20 વર્ષથી ‘બીબીસી ન્યૂઝ એટ સિક્સ’  રજૂ કરતા હતા.

અલાગાયને 2014માં આંતરડાના કેન્સરનું નિદાન થયું હતું અને 18 મહિના લાંબી “પડકારરૂપ સારવાર” બાદ પણ તેમણે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. પણ 2017માં કેન્સર પાછું આવ્યું હતું. મૂળભૂત રીતે, તે ક્યારેય ગયું જ ન હતું. પરંતુ આ વર્ષે તે ફેલાઇને આંતરડાથી આગળ ફેફસામાં ગયું હતું.

ગયા વર્ષે મે મહિનામાં, અલાગાયે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’મારા પર લગભગ પાંચ ઓપરેશન થયા છે અને જીવંત રહેવા માટે નસીબદાર છું. હું સારવાર વિશે જે જાણું છું તે જોતાં, તે મજાની વાત નથી, તે ખૂબ જ પડકારજનક છે.’’

બીબીસીના ડાયરેક્ટર જનરલ ટિમ ડેવીએ કહ્યું: “બીબીસીમાં, અમે બધા જ્યોર્જ વિશેના સમાચાર સાંભળીને અવિશ્વસનીય રીતે દુઃખી છીએ. અમે આ સમયે તેના પરિવાર વિશે વિચારી રહ્યા છીએ. જ્યોર્જ તેમની પેઢીના શ્રેષ્ઠ અને બહાદુર પત્રકારોમાંના એક હતા જેમણે વિશ્વભરમાંથી નિર્ભયતાથી અહેવાલ આપ્યો હતો તેમજ સમાચારને દોષરહિત રીતે રજૂ કર્યા હતા.’’

એલબીસીના સંગીતા માયસ્કા, ધ ગાર્ડિયનના પિપ્પા ક્રિયરર અને સ્કાય ન્યૂઝના માર્ક ઓસ્ટિન સહિતના સાથી પત્રકારોએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી.

જ્યોર્જ મેક્સવેલ અલાગાયનું બાળપણમાં ઘાના અને પછી ઈંગ્લેન્ડમાં વિત્યું હતું. તેમના માતા પિતા ખ્રિસ્તી તમિલ હતા. તેમણે ડરહામ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો હતો. તેમણે ફ્રાન્સિસ રોબથન સાથે લગ્ન કર્યા હતા જેમને બે બાળકો છે. અલાગાય તેમની પત્ની, ફ્રાન્સિસ રોબથન અને ત્રણ પૌત્રો સાથે બે પુત્રોને વિલાપ કરતા છોડી ગયા છે.

LEAVE A REPLY