માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચના છેલ્લા દિવસની રમત સતત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને મેચ ડ્રો થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં 2-1ની લીડના આધારે એશિઝ જાળવી રાખી છે. શ્રેણીની પાંચમી ટેસ્ટ 27 જુલાઈએ ઓવલ મેદાન પર રમાશે. તેમાં ઇંગ્લેન્ડ જીતે તો પણ શ્રેણી 2-2થી ડ્રો થાય અને ઓસ્ટ્રેલિયા એશિઝ જાળવી રાખશે કારણ કે ટીમ અગાઉની એશિઝ જીતી હતી.
ઓસ્ટ્રેલિયાએ 2015થી અત્યાર સુધી એશિઝ શ્રેણી ગુમાવી નથી. વરસાદના કારણે રવિવારે છેલ્લા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 317 રન કર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 592 રન કર્યા હતા. બીજા દાવમાં ચોથા દિવસની રમત પુરી થઈ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટે 214 રન કર્યા હતા.