શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહી ઈદગાહ (ANI Photo)

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત દાવાઓની વિગતો અલ્હાબાદ હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી માંગી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે મે મહિનામાં આ વિવાદના મથુરાની કોર્ટોમાં ચાલતા તમામ દાવાને ક્લબ કરી તેને પોતાની પાસે ટ્રાન્સફર કર્યા હતા.

શાહી મસ્જિદ ઈદગાહની મેનેજમેન્ટ સમિતિએ અલ્હાબાદ હાઇકોર્ટના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. મેનેજમેન્ટ સમિતિની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે તમામ દાવાની વિગતો માગી છે. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલામાં વિલંબ અને એકથી વધુ કોર્ટ કાર્યવાહીને ટાળવા માટે તેની સુનાવણી હાઇકોર્ટે પોતે કરે તે વધુ સારો વિકલ્પ રહેશે. આ મામલામાં ઉચ્ચ સ્તરે નિર્ણય લેવામાં આવે તે દરેકના વ્યાપક હિતમાં છે.

જોકે અરજદાર મેનેજમેન્ટ કમિટી માટે હાજર રહેલા વકીલે સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂઆત કરી હતી કે HC દ્વારા આવા ટ્રાન્સફરથી પક્ષકારોના એપેલેટ ન્યાયિક હકો છીનવાઈ જાય છે અને તમામ પક્ષકારો હાઇકોર્ટ સુધી મુસાફરો કરવાની ક્ષમતા ધરાવતા હોતા નથી. વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે હાઇકોર્ટે એકસમાન ન હોય તેવા દાવાને પણ ક્લબ કરી દીધા છે. આ પછી સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અમે બધી વિગતો મંગાવીએ છીએ. અમે હાઈકોર્ટના રજિસ્ટ્રાર પાસેથી વિગતો માગીશું. પછી જોઈએ કે ટ્રાયલ કેવી રીતે આગળ વધે.

સર્વોચ્ચ અદાલતે HCના રજિસ્ટ્રાર જનરલને હાઇકોર્ટ દ્વારા ક્લબ અને ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેવા તમામ પેન્ડિંગ દાવાઓની માહિતી આપવાનો આદેશ આપ્યો હતો અને આ મામલાની સુનાવણી ત્રણ અઠવાડિયા માટે મુલતવી રાખી હતી.

હિંદુ શ્રદ્ધાળુઓએ અલ્હાબાદ હાઈકોર્ટ સમક્ષ તેમની ટ્રાન્સફર પિટિશનમાં કહ્યું હતું કે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ કેસ રાષ્ટ્રીય મહત્વ ધરાવે છે અને તેની સુનાવણી હાઈકોર્ટમાં થવી જોઈએ. આ પછી હાઈકોર્ટે મથુરાની નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસોને પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધા છે.

મથુરાની જુદી જુદી અદાલતોમાં કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં અનેક દાવાઓ દાખલ કરવામાં આવ્યા છે. એક સામાન્ય દાવો એવો છે કે ઇદગાહ સંકુલ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ તરીકે માનવામાં આવતી જમીન પર બાંધવામાં આવ્યું હતું. આ જગ્યા પર પહેલા મંદિર હતું.

LEAVE A REPLY