યુનાઇટેડ નેશન્સમાં ભારતનાં કાયમી પ્રતિનિધિ, એમ્બેસેડર રૂચિરા કંબોજે સોમવારે જણાવ્યું હતું કે, આ વૈશ્વિક સંસ્થાનમાં હિન્દી ભાષાના ઉપયોગને વધારવા અને સમાવેશી સંવાદ તેમ જ સમજણને ઉત્તેજન આપવા માટે ભારતે એક મિલિયન ડોલરનું સ્વૈચ્છિક યોગદાન આપ્યું છે.
કંબોજે યુએનના ગ્લોબલ કમ્યુનિકેશન્સ ડીપાર્ટમેન્ટનાં અંડર સેક્રેટરી જનરલ મેલિસ્સા ફ્લેમિંગને એક બિલિયન ડોલરનો ચેક સોંપ્યો હતો. તેમણે આ અંગે ટ્વિટર પર જણાવ્યું હતું કે, “ભારત સરકાર હિન્દીના ઉપયોગને વધારવા માટે યુએનમાં મહત્ત્વપૂર્ણ સ્વૈચ્છિક યોગદાન આપીને ખુશી અનુભવે છે. આ સમાવેશી સંવાદ અને સમજણનો વ્યાપ વધારવા તરફનું એક પગલું છે.”
યુએનના ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક ઇન્ફર્મેશનના સહયોગથી આ વૈશ્વિક સંસ્થાનમાં હિન્દીનો પ્રોજેક્ટ 2018માં શરૂ કરવામાં આવ્યો હતો, તેનો મુખ્ય હેતુ યુએનની જાહેર બાબતોને હિન્દી ભાષામાં આગળ વધારવા અને વિશ્વમાં હિન્દી ભાષી લાખો લોકોમાં વૈશ્વિક મુદ્દાઓ અંગે વધુમાં વધુ જાગૃત્તિ ફેલાવવાનો છે.
ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત જુદા જુદા પ્લેટફોર્મ્સની સાથો સાથ અઠવાડિક યુએન ન્યૂઝ-હિન્દી ઓડિયો બુલેટિનના માધ્યમથી હિન્દીમાં યુએન ન્યૂઝ પ્રસારિત કરવામાં આવે છે. ગત સપ્તાહે ઇસ્યુ કરવામાં આવેલી એક પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું હતું કે, ટ્વિટર પર 50 હજાર, ઇન્સ્ટાગ્રામ પર 29 હજાર અને ફેસબુક પર 15 હજાર ફોલોઅર્સની સાથે યુએન હિન્દી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દર વર્ષે અંદાજે એક હજાર પોસ્ટ મુકવામાં આવે છે. આ ઉપરાંત હિન્દીમાં યુએનની ન્યૂઝ વેબસાઇટની વાર્ષિક 1.3 મિલિયન મુલાકાત નોંધાઇ છે, જેને ઇન્ટરનેટ સર્ચ એન્જિનમાં સર્વોચ્ચ દસમાં સ્થાન મળ્યું છે.