લુધિયાણામાં બાઇકસવાર હુમલાખોરોએ 42 વર્ષીય એનઆરઆઇ બરિન્દર સિંઘની સોમવારે રાત્રે હત્યા કરી હતી.
ચાર મહિના અગાઉ કેનેડાથી વતનમાં આવેલા બરિન્દર સિંઘ રાત્રે પોતાના ફાર્મ હાઉસથી ઘરે પરત જતા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારી સુહૈલ કાસિમ મિરના જણાવ્યા મુજબ, હુમલાખોરોએ ઘટના સ્થળેથી બરિન્દરનો મોબાઇલ ફોન અથવા રોકડ ઉઠાવી નહીં હોવાથી આ કેસ અંગત દુશ્મનીનો જણાય છે. પોલીસે ચાર શંકાસ્પદ લોકોના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને મૃતકની કોલ ડીટેઇલ્સ પણ ચકાસી હતી. બરિન્દર સામે મિલકત સંબંધિત અનેક કેસ નોંધાયા છે. તેથી જુદા જુદા દૃષ્ટિકોણથી કેસમાં તપાસ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ બંગલાની માલિકીના મુદ્દે બરિન્દરને કેટલાક લોકો સાથે વિવાદ હતો. જોકે, તેના મિત્ર જસપ્રીત સિંઘે જણાવ્યું હતું કે, આ વિવાદીત બંગલાના ડોક્યુમેન્ટ્સ અગાઉ તેની પાસે હતા. કહેવાય છે કે, તેણે સજોત નગરમાં 250 સ્ક્વેર યાર્ડનો વિવાદિત બંગલો ફક્ત દસ લાખમાં ખરીદ્યો હતો અને દબાણ કરીને તેનો કબજો લીધો હતો.