સિંગાપોરમાં ટ્રાન્સપોર્ટ પ્રધાન એસ. ઇશ્વરનની ભ્રષ્ટાચારના એક કેસમાં કરપ્ટ પ્રેક્ટિસીઝ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (CPIB) દ્વારા તાજેતરમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, તેવું સ્થાનિક મીડિયા રીપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું. ટુડે અખબારના જણાવ્યા મુજબ ઇશ્વરને તેમની અધિકૃત જવાબદારીમાં ગેરહાજર રહેવા માટે રજા લીધી હતી.

CPIBના જણાવ્યા પ્રમાણે ઇશ્વરન અને હોટેલ પ્રોપર્ટી લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર ઓન્ગ બેંગ સેંગની 11 જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેમણે તપાસમાં સહકાર આપ્યો હતો. જોકે, આ એજન્સીએ કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે તેની વિગતો આપી નહોતી. તે બંને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા હતા. સિંગાપોરમાં ફોર્મ્યુલા વન સર્કિટ બાબતે ઇશ્વરન અને ઓન્ગને મહત્ત્વના વ્યક્તિ માનવામાં આવે છે. 2000ના દાયકાની મધ્યમાં ઇશ્વરન જુનિયર વ્યાપાર પ્રધાન પદે હતા. ધ સ્ટ્રેઇટ્સ ટાઇમ્સના રીપોર્ટ મુજબ, કહેવાય છે કે, ઇશ્વરન ટેમાસેકના ઉચ્ચ અધિકારી હતા ત્યારે તેઓ ઓન્ગને જાણતા હતા.

LEAVE A REPLY