ગીર સોમનાથમાં ગુરુવારે ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત સુત્રાપાડા શહેરનું એરિયલ વ્યુ. (ANI Photo)

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં સતત ચોથા દિવસે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું અને ભારે તારાજી સર્જાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ ભારતના હવામાન વિભાગ (IMD)એ શુક્રવાર (21 જુલાઇ)એ ગુજરાતમાં શનિવાર અને રવિવાર માટે ‘રેડ’ એલર્ટ જારી કર્યો હતો અને જણાવ્યું હતું કે આ દિવસોમાં રાજ્યમાં “ભારેથી અતિ ભારે વરસાદ (204.4 મીમીથી વધુ)” થવાની સંભાવના છે. રાજ્યમાં 21 જુલાઇએ પણ વરસાદનો ‘ઓરેન્જ’ એલર્ટ જારી કરાયો હતો.

બુધવારે સૌરાષ્ટ્ર અને કચ્છના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. ગુરુવારે અવિરત વરસાદને કારણે રાજકોટમાં ભારે પાણી ભરાયાં હતાં. આ અઠવાડિયાની શરૂઆતમાં, ત્રણ લોકો માર્યા ગયા હતા અને લગભગ 300 ને બચાવી લેવામાં આવ્યા હતા. બુધવારે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ચાલુ રહ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં બે મૃત્યુ નોંધાયા હતા જ્યારે રાજકોટ જિલ્લામાં એક મૃત્યુ નોંધાયું હતું.
મંગળવારે બપોરથી શરૂ થયેલો અને બુધવારે મોડી રાત સુધી ચાલુ રહેલા ભારે વરસાદને પગલે વેરાવળ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. NDRFએ પૂરના પાણીમાં ફસાયેલા 270 લોકોને બચાવ્યા જ્યારે ગીર સોમનાથ પોલીસે સોમનાથ બાયપાસ પાસે 30 લોકોને બચાવ્યા હતા.

43 જળાશયો હાઇએલર્ટ પર

રસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમોને એલર્ટ પર રાખવામાં આવી હતી. ગુજરાતના 206 જળાશયોમાંથી 43 જળાશયોમાં પાણીની ભારે આવકને કારણે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 18 જળાશયો એલર્ટ મોડ પર છે અને અન્ય 19 માટે ચેતવણી જારી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મંદિર શહેર દ્વારકા ફરી એકવાર ભારે વરસાદનો શિકાર બન્યું હતું. દ્વારકામાં ગુરુવારે 234mm મુશળધાર વરસાદ વરસ્યો હતો. સવારથી શરૂ થયેલો વરસાદ અચાનક ધોધમાર વરસાદમાં ફેરવાઈ ગયો હતો અને શહેરમાં માત્ર બે કલાકમાં 229મીમીમાંથી 183mm વરસાદ નોંધાયો હતો. ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં સમગ્ર નગર તળાવમાં ફેરવાઈ ગયું હતું.

બેટ દ્વારકા ફેરી સર્વિસ સ્થગિત કરાઈ

ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)એ ભારે વરસાદ કારણે બેટ દ્વારકા વચ્ચેની ફેરી સર્વિસને સ્થગિત કરી દીધી હતી. ગુરુદ્વારા, ઈસ્કોન ગેટ, તોતાદ્રી મઠ જેવા વિસ્તારો કમર સુધીના પાણીમાં ડૂબી ગયા હતા. અનેક હોટલોમાં પાણી ઘુસી જતાં પ્રવાસીઓને મુશ્કેલી પડી હતી. ગુરુવારે સવારથી પડેલા ભારે વરસાદને પગલે વીજળી બંધ થઈ જતાં તેઓએ ઘરની અંદર રહેવું પડ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકામાંથી પણ ભારે વરસાદ નોંધાયો હતો.

દરમિયાન ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ રહ્યો હતો. જોકે, અગાઉના બે દિવસની સરખામણીમાં તીવ્રતા ઓછી હતી. આ બે જિલ્લાઓમાં સંખ્યાબંધ શહેરોમાં પાણી ભરાયા હતા. ઘણા ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ઉના, કોડીનાર, તાલાલા, કેશોદ અને માંગરોળ તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. વેરાવળ અને તાલાલા તાલુકાની 200 દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતાં વેપારીઓના સ્ટોકને નુકસાન થયું હતું.

અમરેલી જિલ્લામાં નદીમાં ગેસ સિલિન્ડર સાથે એક વ્યક્તિ તણાયો

અમરેલી જીલ્લાના લીલીયા તાલુકાના નાવલી નદીમાં એક વ્યક્તિ ગેસ સિલિન્ડર સાથે તણાઈ ગયો હતો. જોકે સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો. સ્કૂટર પર સવાર બે મહિલાઓએ કોઝ-વે ક્રોસ કરવાનો પ્રયાસ તણાઈ ગઈ હતી. એક મહિલાને બચાવી લેવામાં આવી હતી, પરંતુ બીજી મહિલા લાપતા બની હતી.

શુક્રવાર બપોર સુધીમાં રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 10 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ નવ ઈંચ વરસાદ વરસી ચૂક્યો હતો. છેલ્લા અઠવાડિયા દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાયા બાદ શુક્રવારે મુખ્યપ્રધાને આ બંને જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કરી સર્વે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ હતી. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.

ટ્રેન સેવાના અસર

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકા સહિતના જિલ્લામાં ગુરુવારે પડેલા ભારે વરસાદને પગલે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોને અસર પહોંચી હતી. રેલવેટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે શુક્રવારે કુલ 6 ટ્રેન રદ અને 1 ટ્રેન રી-શેડ્યૂલ કરાઈ હતી.

LEAVE A REPLY