વોટરએઈડ માટે લગભગ £10,000 એકત્ર કરનાર બકિંગહામશાયરના મુઆવિઝ અનવર નામના 8 વર્ષના તરૂણને રવિવારે 16 જુલાઈના રોજ વિમ્બલ્ડનની મેન્સ સિંગલ્સ ટેનીસ મેચની સેન્ટર કોર્ટમાં યોજાયેલી ફાઇનલમાં ટૉસ ઉછાળવાનું સૌભાગ્ય મળ્યું હતું. તે પછી તેનો પરિચય પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટ તથા પ્રિન્સ ઓફ વેલ્સ વિલિયમ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ કેથરીન સાથે કરાવાયો હતો.
મુઆવિઝ અનવરે પ્રિન્સ જ્યોર્જ અને પ્રિન્સેસ શાર્લોટને સિક્કો બતાવ્યા બાદ ટૉસ કર્યો હતો. તે પહેલા તેઓ સૌ કાર્લોસ અલ્કારાઝ અને નોવાક જોકોવિચ વચ્ચેની મેચ પહેલા સેન્ટર કોર્ટમાં સેન્ટર સ્ટેજ લેતા જોવા મળ્યા હતા.
ગયા વર્ષે મુઆવિઝે ફંડ એકત્ર કરવા માટે રમઝાન દરમિયાન 30 દિવસ માટે દરરોજ ત્રણ માઇલ સાઇકલ ચલાવી હતી અને આ વર્ષે તેણે હાફ આયર્નમેન ટ્રાયથલોન પૂર્ણ કરી હતી. વિલિયમે મુઆવિઝને પૂછ્યું હતું કે શું તે સિક્કો ઉછાળવા પ્રેક્ટિસ કરી રહ્યો છે? તો કેટે મુઆવિઝને કહ્યું હતું કે “હું આશા રાખું છું કે તમે તેની દરેક ક્ષણનો આનંદ માણશો. શાબ્બાશ… અહીં આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.”
2017થી, વિમ્બલ્ડન ફાઉન્ડેશને દરેકને દરેક જગ્યાએ સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના તેના મિશનમાં વોટરએઇડને સમર્થન આપવા માટે £1.5 મિલિયનથી વધુનું દાન આપ્યું છે.
વોટરએઇડના કોમ્યુનિકેશન એન્ડ ફંડરેઇઝીંગ ડેયરેક્ટર જેની યોર્કે કહ્યું હતું કે “તે અસાધારણ ભંડોળ ઊભુ કરનાર છે, વોટરએઇડ માટે નાણાં એકત્ર કરવા માટે અદ્ભુત પડકારો કરી રહ્યા છે, અને અમે તેમના સમર્પણ અને સખત મહેનતથી પ્રભાવિત થયા છીએ માટે અમે મુઆવિઝને નોમિનેટ કર્યો હતો.’’