વર્લ્ડ બેન્કના ભારતીય મૂળના પ્રેસિડન્ટ અજય બાંગાએ જણાવ્યું હતું કે ભારત પાસે અત્યારે ‘ચાઇના પ્લસ વન’ સ્ટ્રેટેજીનો લાભ મેળવવાની અમૂલ્ય તક છે. આ તક ૧૦ વર્ષ સુધી ચાલુ નહીં રહે. ત્રણથી પાંચ વર્ષ માટે આ તકને ઝડપી લેવી જરૂરી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિશ્વભરની કંપનીઓ કોરાના મહામારી પછી સપ્લાય માટે ચીન પરના અવલંબનમાં ઘટાડો કરી રહી છે અને બીજા દેશોમાં ડાઇવર્સિફિકેશન કરી રહી છે. તેને ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી કહેવામાં આવે છે. આવી કંપનીઓને આકર્ષવા માટે ભારત પાસે પૂરતી તકો છે.
બાંગાએ જણાવ્યું હતું કે, સ્થાનિક અર્થતંત્રની માંગ વિશ્વની ધીમી આર્થિક વૃદ્ધિ સામે ભારતને કુદરતી રક્ષણ પૂરું પાડે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથેની બેઠક પછી તેમણે કહ્યું હતું કે, “અમે જી૨૦ની તમામ બાબતો અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત, વર્લ્ડ બેન્ક અને ભારત જી૨૦ની સાથે મળીને શું કરી શકે તેની પણ વાટાઘાટ કરી હતી. અમારા પોર્ટફોલિયોની રીતે ભારત વિશ્વ બેન્ક માટે સૌથી મોટું બજાર છે. ભારતે ઘણા પ્રશંસનીય પગલાં ભર્યા છે જે તેને વૈશ્વિક મંદીના સમયમાં અગ્રેસર રહેવામાં મદદ કરશે. ભારત મહામારીના પડકારોમાંથી મજબૂતી સાથે બહાર આવ્યું છે, પણ વૃદ્ધિનો આ વેગ ચાલુ રહેવો જરૂરી છે.
બાંગાએ જણાવ્યું હતું કે, ભારત એવી ઘણી બાબતો કરી રહ્યું છે જે તેને વિશ્વભરમાં ચાલતા ધીમી વૃદ્ધિના તબક્કામાં અગ્રેસર રહેવામાં મદદ કરશે. ભારતની ઊંચી જીડીપી વૃદ્ધિ મહદ્અંશે સ્થાનિક અર્થતંત્રને આભારી છે. એટલે આગામી સમયમાં પણ પ્રોત્સાહક વૃદ્ધિનું મોમેન્ટમ જાળવવું જરૂરી છે.