ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત ખાતે આવેલી ડાયમંડ બુર્સની બિલ્ડિંગ હવે અમેરિકાના પેન્ટાગોનને પાછળ રાખીને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગનું સ્થાન મેળવ્યું છે. સુરત ડાયમંડ બુર્સ 15 માળનું કોમ્પ્લેક્સ છે જેની ફ્લોર સાઈઝ લગભગ 71 લાખ ચોરસ ફૂટ કરતા પણ વધારે છે. આશરે રૂ 32 અબજના ખર્ચે તૈયાર થયેલી ગુજરાતની આ બિલ્ડિંગે તેની સાઈઝના આધારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
આ કોમ્પ્લેક્સ 35 એકર કરતા વધુ જમીન પર પથરાયેલું છે. વિશ્વના ટોચના મીડિયા જૂથોએ આ સિદ્ધિની નોંધ લીધી હતી. અમેરિકન ન્યૂઝ એજન્સી સીએનએનના અહેવાલ પ્રમાણે સુરત ડાયમંડ બુર્સની બિલ્ડિંગની ફ્લોર સ્પેસ 71 લાખ ચોરસ ફીટ કરતા વધારે છે. અહીં 65,000થી વધારે ડાયમંડના પ્રોફેશનલો કામ કરી શકશે. આ બિલ્ડિંગના આર્કિટેક્ચરની પણ વિશ્વ સ્તરે નોંધ લેવામાં આવી છે.
સુરત ડાયમંડ બુર્સનો નવેમ્બરથી પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બિલ્ડિંગનું ઉદઘાટન કરવા માટે આવે તેવી શક્યતા છે. સુરત ડાયમંડ બુર્સને બનાવવામાં 32 અબજ રૂપિયાનો ખર્ચ થયો છે. તેમાં ડાયનિંગ, રિટેલ, વેલનેસ અને કોન્ફરન્સ માટેની પૂરતી સુવિધાઓ છે અને આખી બિલ્ડિંગમાં કુલ 131 લિફ્ટ છે. આ બિલ્ડિંગમાં માર્બલ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે અને તેમાં કુલ 4700 ઓફિસ ધમધમશે.