અમદાવાદમાં બુધવારની મોડી રાત્રે ઇસ્કોન ફ્લાયઓવર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયાં હતાં અને અન્ય 10 ઘાયલ થયાં હતાં. ગાંઘીનગર-સરખેજ હાઇવે પર પહેલા એક થાર ગાડી ડમ્પર ટ્રક સાથે અથડાઇ હતી. તેથી અકસ્માત જોવા માટે ઊભા રહેલા લોકોના ટોળા પર પુરપાર ઝડપે આવી રહેલી જગુઆર કાર ફરી વળી હતી.
અહેવાલો અનુસાર અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પર રાત્રે લગભગ 1 વાગ્યે આ અકસ્માત થયો હતો. ખૂબ જ તેજ ગતિએ જઈ રહેલી જગુઆર કારે ત્યાં એકઠા થયેલા લોકોને કચડી નાંખ્યા હતા. રાત્રે લગભગ 1 વાગ્યે એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર એક થાર (SUV) એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની માહિતી મળ્યા બાદ, સ્થાનિક ટ્રાફિક પોલીસ અને એક હોમગાર્ડ જવાન ટ્રાફિકનું સંચાલન કરવા અને પરિસ્થિતિને સંભાળવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જિજ્ઞાસાના કારણે, શું થયું છે તે જાણવા માટે ઘણા બધા રાહદારીઓ પણ સ્થળ પર એકઠા થયા હતા. તેઓ પુલ પર હતા, ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી જગુઆર કાર ભીડમાં ઘૂસી ગઈ, જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે ચાર વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. મૃતકોમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ જવાનનો સમાવેશ થાય છે. ઘાયલ થયેલા લગભગ 10 લોકોને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા અને 10 થી 11 લોકો ઘાયલ થયા હતા. આ નશામાં ડ્રાઇવિંગનો કેસ હોવાનું જણાતું નથી. પરંતુ અમારી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જગુઆર કારની સ્પીડ અત્યંત વધુ હતી. કાર ડ્રાઇવર તથ્ય પટેલ સારવાર હેઠળ છે, ડોકટરો મંજૂરી આપશે ત્યારે અમે તેમની ધરપકડ કરીશું.
ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું હતું કે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગઈકાલે રાત્રે જે અકસ્માત થયો તે ખૂબ જ દુઃખદ છે. હું મારી હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
સ્થાનિક મીડિયાના રીપોર્ટ મુજબ મૃતકોમાં ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ), નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ), અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર), નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા, અમદાવાદ), રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ), અરમાન અનીલભાઈ વઢવાણીયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર), અક્ષર અનીલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ), કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ)નો સમાવેશ થાય છે.