ભારતના અગ્રણી ઔદ્યોગિક ગ્રૂપ ટાટા ગ્રૂપે બુધવાર, 19 જુલાઇએ યુકેમાં 4 બિલિયન પાઉન્ડથી વધુના રોકાણ સાથે ગ્લોબલ બેટરી સેલ ગીગાફેક્ટરીની સ્થાપના કરવાની મેગા યોજનાની જાહેરાત કરી હતી. આ ફેક્ટરીનો હેતુ ઓટોમોટિવ ક્ષેત્રના ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનની પ્રક્રિયાને મદદ કરવાનો છે. નવી ગીગાફેક્ટરીમાં ઉત્પાદન 2026માં શરૂ થવાનો અંદાજ છે.
આ નવી ગીગાફેક્ટરી પશ્ચિમ ઇંગ્લેન્ડના સમરસેટમાં સ્થાપવામાં આવે તેવી ધારણા છે. યુકે સરકારે ગ્રૂપની 40GW બેટરી સેલ ગીગાફેક્ટરી માટેની યોજનાઓને આવકારી હતી. સરકારે એક યાદીમાં જણાવ્યું હતું કે તેનાથી સમગ્ર સપ્લાય ચેઇનમાં હજારો નોકરીઓનું સર્જન થશે. ટાટા ગ્રૂપે જણાવ્યું હતું કે ટાટા મોટર્સ અને તેની બ્રિટિશ પેટાકંપની જગુઆર લેન્ડ રોવર (JLR) પ્લાન્ટના એન્કર કસ્ટમર હશે.
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેકરને જણાવ્યું હતું કે અમારું મલ્ટિ-બિલિયન-પાઉન્ડનું રોકાણ દેશમાં અત્યાધુનિક ટેક્નોલોજી લાવશે, જે ઓટોમોટિવ સેક્ટરના ઇલેક્ટ્રિક મોબિલિટીમાં પરિવર્તનને વેગ આપશે. આ વ્યૂહાત્મક રોકાણ સાથે, ટાટા ગ્રૂપ યુકે માટેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરે છે. ટાટા ગ્રૂપની ઘણી કંપનીઓ હાલમાં યુકેના ટેકનોલોજી, કન્ઝ્યુમર, હોસ્પિટાલિટી, સ્ટીલ, કેમિકલ્સ અને ઓટોમોટિવ ક્ષેત્રમાં કાર્યરત છે.
ટાટાના આ પ્લાન્ટને 1980ના દાયકામાં નિસાનના આગમન પછીથી યુકેના ઓટોમોટિવ ક્ષેત્રમાં સૌથી વધુ મહત્ત્વનું રોકાણ ગણવામાં આવે છે. ટાટા ગ્રૂપને આ પ્લાન્ટ માટે મિલિયન ઓફ પાઉન્ડની સબસિડી મળવાની ધારણા છે. જોકે આ અંગેની માહિતી જાહેર કરાઈ નથી. આ પ્લાન્ટ રેન્જ રોવર, ડિફેન્ડર, ડિસ્કવરી અને જગુઆર બ્રાન્ડ્સ સહિત JLRના ભાવિ બેટરી ઇલેક્ટ્રિક મોડલ્સને સપ્લાય પૂરો પાડશે. આ પ્લાન્ટમાંથી બીજી કાર કંપનીઓને પણ સપ્લાય મળવાની ધારણા છે.