ક્રિતિ સેનને અભિનય પછી હવે નિર્માત્રી બનીને બોલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. ક્રિતિએ પ્રોડ્યુસર તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘દો પત્તી’ બનાવવાની જાહેરાત કરી છે. મર્ડર મિસ્ટ્રી ધરાવતી આ ફિલ્મમાં કાજોલનો લીડ રોલ છે. કાજોલ અને ક્રિતિ આઠ વર્ષ પછી સાથે કામ કરશે.
છેલ્લા કેટલાક દિવસોથી આદિપુરુષના કારણે ક્રિતિ ઘણી ટ્રોલ થઈ છે. આદિપુરુષ થીયેટરમાંથી ઉતરી ગયા બાદ હવે તેની ચર્ચાઓ પણ અટકી ગઈ છે ત્યારે ક્રિતિએ ફરી એક વખત ધ્યાન ખેંચ્યું છે. પાછલા નવ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહેલી ક્રિતિએ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું છે અને તેનો પ્રથમ પ્રોજેક્ટ પણ એનાઉન્સ કર્યો છે. ક્રિતિએ ઈન્સ્ટાગ્રામ પર કાજોલ સાથેનો ફોટોગ્રાફ શેર કરતાં જણાવ્યું હતું કે, મારા પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ‘દો પત્તી’ એનાઉન્સ કરતાં રોમાંચ અનુભવું છે. મજબૂત ઈરાદાવાળી અને ટેલેન્ટેડ ત્રણ મહિલાઓ સાથે આ ફિલ્મ એન્ટરટેઈનર રહેશે. આઠ વર્ષ બાદ કાજોલ સાથે કામ કરવાની તકથી એક્સાઈટેડ છું. કનિકા ઢિલ્લોન સાથે પ્રોડ્યુસર તરીકે કામ કરવાની તક મળી છે. બ્લ્યૂ બટરફ્લાય ફિલ્મસની પ્રથમ ફિલ્મ આવી રહી છે.
આ અંગે કાજોલે જણાવ્યું હતું કે, અગાઉ નેટફ્લિક્સ સાથે ત્રિભંગા અને લસ્ટ સ્ટોરીઝ 2માં કામ કર્યું હતું. નેટફ્લિક્સ સાથે આ ત્રીજો પ્રોજેક્ટ છે. ફિલ્મમાં એડવેન્ચર અને મિસ્ટ્રી જોવા મળશે. રાઈટર કનિકા ઢિલ્લોન અને ક્રિતિ સેનન પહેલી વખત આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ પહાડી વિસ્તારોમાં કરાશે. ફિલ્મની રિલીઝ ડેટ કે અન્ય કાસ્ટ અંગે વિગતો જાહેર થઈ નથી.