અમેરિકામાં ભારતીય મૂળના લોકો હિન્દુફોબિયાના નામે વધી રહેલી હિંસા અને હિન્દુઓ સામેના પડકારોના મુદ્દે ખૂબ જ ચિંતિત છે. પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન્સે સ્થાનિક સાંસદો સમક્ષ દેશમાં હિન્દુફોબિયાના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો. વોશિંગ્ટનમાં બીજા હિન્દુ એડવોકસી ડેની ઉજવણી નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં અમેરિકાની કોંગ્રેસના ઓછામાં ઓછા 21 સભ્યોએ ભાગ લીધો હતો. ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમેરિકામાં હિન્દુઓ સાથે થતા ભેદભાવ બાબતે ધ્યાન આપવા જણાવાયું હતું.
કોંગ્રેસમેન રીક મેકકોર્મિકે યુએસ કેપિટોલમાં કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા (CoHNA) દ્વારા આયોજિત કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે માત્ર જાતિના આધારે જ નહીં પરંતુ ધર્મના આધારે પણ ભેદભાવ કેવી રીતે થાય છે તે જાણવાની જરૂર છે. હિન્દુ સમુદાયને હિન્દુફોબિયાના નામે ધમકાવવાની સમસ્યા જૂની છે.
કોંગ્રેસમેન શ્રી થાનેદારે જણાવ્યું હતું કે, હું દરેક વ્યક્તિની ધાર્મિક સ્વાતંત્ર્યમાં દૃઢપણે માનું છું અને કોઈપણ પ્રકારના હુમલા વિરુધ્ધ સમુદાય સાથે છું. તેમણે વિવિધ જૂથો અને ધર્મની સ્વતંત્રતા માટે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાના મહત્ત્વ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હિન્દુ ધર્મ શાંતિપ્રિય ધર્મ છે, તેમ છતાં તેના પર હુમલા થયા છે અને તેને સુરક્ષિત કરવાની જરૂર છે. અન્યોની જેમ, હિન્દુઓને પણ કોઈપણ પ્રકારના દ્વેષ, પૂર્વગ્રહ કે ભય વિના તેમના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે.
આ કોન્ફરન્સમાં ભાગ લેનારા 12 રાજ્યોના હિન્દુ અમેરિકનોમાં હેન્ક જોન્સન, ટોમ કીન, રિચ મેકકોર્મિક, થાનેદાર, બડી કાર્ટર, સાનફોર્ડ બિશપ અને ઓહાયો સ્ટેટના સેનેટર નીરજ અંતાણીનો સમાવેશ થાય છે. બીજી તરફ નીરજ અંતાણીએ કહ્યું હતું કે, અમેરિકામાં હિન્દુઓ પર હુમલા થઈ રહ્યા છે. CoHNAના પ્રેસિડેન્ટ નિકુંજ ત્રિવેદીના જણાવ્યા મુજબ, અમેરિકામાં હિન્દુઓ પ્રત્યે જાગૃતિ વધી રહી છે.