આગામી વર્ષે લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લડત આપવા માટે બેંગુલુરુમાં 17-18 જુલાઇએ યોજાયેલી 26 વિરોધ પક્ષોની એક મહાબેઠકમાં તેમના મોરચાનું નામ I-N-D-I-A (ઇન્ડિયન નેશનલ ડેવલમેન્ટ ઇન્ક્યુસિવ એલાયન્સ) રાખવા માટે સહમતી સધાઈ હતી.
વિપક્ષની બેઠક પછી પત્રકાર પરિષદમાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે NDA, BJP, શું તમે I.N.D.I.A.ને પડકારી શકો છો?” અમે અમારી માતૃભૂમિને પ્રેમ કરીએ છીએ. આપણે દેશના દેશપ્રેમી લોકો છીએ. અમે દેશ, દુનિયા, ખેડૂતો, બધા માટે છીએ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જાહેરાત કરી હતી કે વિપક્ષની આગામી બેઠક મુંબઈમાં યોજાશે, જ્યાં 11 સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. ઘણા નેતાઓ મીડિયાની વાતચીતમાંથી ગાયબ હતા કારણ કે તેઓને ઘરે પાછા જવા માટે તેમની ફ્લાઇટ્સ માટે એરપોર્ટ પર દોડી જવું પડ્યું હતું,
બેઠક દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે તેમની પાર્ટીને સત્તા અથવા વડા પ્રધાન પદમાં રસ નથી. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે શાસક પક્ષના પ્રમુખ અને પક્ષના નેતાઓ જૂના સાથી પક્ષો સાથે જોડાણ કરવા માટે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ રહ્યાં છે. અમે 26 પક્ષો છીએ, 11 રાજ્યોમાં સરકાર છે; ભાજપને 303 સીટો એકલા મળી નથી. ભાજપે સાથી પક્ષોના મતોનો ઉપયોગ કર્યો અને પછી તેમને પડતા મૂક્યા હતા.
વિપક્ષની આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, એનસીપી સુપ્રીમો શરદ પવાર, ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બિહારના મુખ્યમંત્રી અને જેડીયુ નેતા નીતિશ કુમાર, ડીએમકે નેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન, જેએમએમના નેતા અને ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો ઉદ્ધવ ઠાકરે અને લાલુ પ્રસાદ સહિતના ટોચના નેતાઓ સામેલ થયા હતા.
આ બેઠકમાં વિપક્ષના કોમન મિનિમમ પ્રોગ્રામ અંગે તથા કેન્દ્ર સામે સંયુક્ત આંદોલનની યોજના અંગે વિચારવિમર્શ થયો હતો. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાની ડિનર મીટિંગ સાથે બે દિવસની બેઠકનો પ્રારંભ થયો હતો.
વિપક્ષની બેઠકના એક દિવસ પહેલા કોંગ્રેસે સ્પષ્ટતા કરી હતી કે કે તે સંસદમાં દિલ્હી વહીવટી સેવાઓ પરના કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરશે. અહીં ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ શરત મૂકી હતી કે જો કોંગ્રેસ આ વટહુકમ અંગે તેનું વલણ સ્પષ્ટ નહીં કે તો તે વિપક્ષની બેઠકમાં સામેલ થશે નહીં. કોંગ્રેસની સ્પષ્ટતા પછી AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે આજે કોંગ્રેસે દિલ્હી વટહુકમ વિરુદ્ધ તેનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમે જાહેરાતને આવકારીએ છીએ. આનાથી AAP બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં હાજરી આપશે. જોકે ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજકીય હતાશા અને અનિશ્ચિતતા કોંગ્રેસને ઘેરી વળી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી નેતાઓ લોકસભાની બહુમતી બેઠકો પર એક વિપક્ષી ઉમેદવારો ઊભા કરવાની દરખાસ્ત અંગે ચર્ચા કરી હતી.23 જૂને પટનામાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે યોજેલી વિપક્ષી એકતા માટેની પ્રથમ બેઠકમાં 15 પક્ષોએ હાજરી આપી હતી. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ભાગલા અને પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણીમાં વ્યાપક હિંસા વચ્ચે આ બેઠક યોજાઈ હતી.. બંગાળની ચૂંટણીમાં હિંસાને બીજા ટીએમસી તથા કોંગ્રેસ-ડાબેરીઓએ એકબીજા પર આક્ષેપો કર્યા હતા.