અમેરિકામાં 13 જુલાઈએ મેજર લીગ ક્રિકેટનો આરંભ થયો હતો. ટેક્સાસના ગ્રાંડ પ્રેઈર ખાતે આ ટુર્નામેન્ટ વિષે વાત કરતાં મેજર લીગ ક્રિકેટના કો-ફાઉન્ડર સમીર મહેતાએ કહ્યું હતું કે, અમેરિકામાં ક્રિકેટનો વિકાસ, તેને લોકપ્રિય બનાવવાનું કાર્ય ખૂબજ કપરૂ છે, પણ હવે મિશન શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષે આ ટુર્નામેન્ટમાં છ ટીમ ભાગ લઈ રહી છે અને 13મીએ શરૂ થયેલી ટુર્નામેન્ટ 31 જુલાઈએ પુરી થશે.
છ ટીમોમાં ટેક્સાસ સુપર કિંગ્સ, લોસ એન્જેલસ નાઈટ રાઈડર્સ, સાન ફ્રાન્સિસ્કો યુનિકોર્ન્સ, એમઆઈ ન્યૂયોર્ક, વોશિંગ્ટન ફ્રીડમ અને સીએટલ ઓર્કાસનો સમાવેશ થાય છે. ટી-20 ફોર્મેટમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં બધી ટીમોમાં ક્રિકેટ રમતા લગભગ તમામ દેશોના ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.
રવિવાર, 16 જુલાઈ સુધીની સ્થિતિ મુજબ દરેક ટીમ બે-બે મેચ રમી ચૂકી છે, તેમાંથી સીએટલ ઓર્કાસ બન્ને મેચમાં વિજય સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. તો લોસ એન્જેલસ નાઈટ રાઈડર્સ બન્ને મેચમાં પરાજય સાથે ટેબલના તળિયે છે.