જાન્યુઆરી ૨૦૨૩માં અમેરિકા જવા નીકળેલા નવ ગુજરાતીઓ લાપતા બન્યાં છે. આ લોકોની શોધખોળ માટે ગુજરાત પોલીસે ઈન્ટરપોલની મદદ માગી છે. પોલીસને ફેબ્રુઆરીમાં કેરેબિયન ટાપુ ગ્વાડલુપમાં કેટલાક ભારતીયો પકડાયા હોવાની માહિતી મળી હતી. અહીં ૪ ફેબ્રુઆરીએ નવ ગુજરાતીઓને દરિયામાંથી રેસ્કયુ કરાયાં હતાં.
ગુમ થયેલા લોકોના પરિવારજનોનો પણ તેમની સાથે કોઈ સંપર્ક ના થઈ શકતાં આખરે આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. સૂત્રોનું માનીએ તો આ તમામ લોકો બોટમાં સવાર થઈને ડોમિનિકા કે પછી એન્ટિગુઆથી અમેરિકાના વર્જિન આયલેન્ડ્સ જવા માટે નીકળ્યા હતા. જોકે, તે વખતે કોઈક કારણોસર તેઓ વર્જિન આયલેન્ડ્સ તરફ જવાને બદલે ગ્વાડલુપની હદમાં પહોંચી ગયા હતા અને ત્યાં સ્થાનિક પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. હાલ તમામ નવ લોકો ગ્વાડલુપની જેલમાં બંધ હોવાનું માનવામાં આવે છે.
શનિવારે આ મામલે પોલીસે વધુ બે એજન્ટોના નામ જાહેર કર્યા હતા. જેમાં હાલ અમેરિકા રહેતા ધવલ પટેલ અને વિજય પટેલનો સમાવેશ થાય છે. જે નવ લોકો મહેન્દ્ર પટેલ મારફતે અમેરિકા જવા નીકળ્યા હતા તેમને રિસીવ કરવા માટે આ બંને જ આવવાના હતા. હાલ સાબરકાંઠા પોલીસે કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે સંકલન કરીને ધવલ અને વિજય સામે લૂકઆઉટ નોટિસ ઈશ્યૂ કરવાની કામગીરી હાથ ધરી છે.
લાપતા વ્યક્તિઓમાં સુધીર પટેલ નામના મહેસાણાના એક ૨૮ વર્ષના યુવકનો પણ સમાવેશ થાય છે. સુધીરના ભાઈ સુનીલે આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ડીંગુચાના મહેન્દ્ર પટેલ અને દિવ્યેશ પટેલ તેમજ શૈલેષ પટેલ નામના એજન્ટો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આરોપ મૂકાયો છે કે મહેન્દ્ર પટેલે ૭૫ લાખ રૂપિયામાં સુધીરને અમેરિકાની વર્ક પરમિટ અપાવી દેવાની વાત કરીને તેની પાસેથી ૧૦ લાખ રૂપિયા એડવાન્સમાં લીધા હતા. સુનીલે ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે શૈલેષ પટેલ નામના એજન્ટે સુધીર સહિતના લોકો ડોમિનિકામાં પકડાઈ ગયા હોવાનું જણાવીને તેને કેટલાક ડોક્યુમેન્ટ્સ પણ બતાવ્યા હતા.
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ લાપતા બનેલા લોકોમાં કલોલના નારદીપુર ગામના વતની અંકિત પટેલ, ઉંમર વર્ષ ૩૧, મૂળ વતન મહેસાણાનું આંબલિયાસણ ગામના અમદાવાદમાં રહેતા કિરણ પટેલ, ઉંમર વર્ષ ૪૧, ગાંધીનગરના સરધાવ ગામની વતની અવની પટેલ, ઉંમર વર્ષ ૩૧, મહેસાણાના હેડુવા ગામનો વતની સુધીર પટેલ, ઉંમર વર્ષ ૨૯, નડિયાદના ઉત્તરસંડા ગામનો વતની પ્રતીક પટેલ, ઉંમર વર્ષ ૨૮, વડનગરનો વતની નિખિલ પટેલ, ઉંમર વર્ષ ૨૪, મહેસાણાના આંબલિયાસણના વતનીચંપાબેન પટેલ, ઉંમર વર્ષ ૪૨, કલોલના નારદીપુર ગામનો વતની ધ્રુવરાજસિંહ વાઘેલા, ઉંમર ૨૦ વર્ષ તથા સાબરકાંઠાના વાઘપુર ગામનો વતની ભરત રબારી, ઉંમર વર્ષ ૩૭નો સમાવેશ થાય છે.