સાઉદી અરેબિયાના શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસા તાજેતરમાં ભારતની પાંચ દિવસની યાત્રાએ ગયા હતા. આ દરમિયાન તેમણે 13 જુલાઇએ દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે ભારતની ભવ્ય કલા, સ્થાપત્ય, સંસ્કૃતિને માણી હતી અને વિશ્વને ભારતે આપેલા ભવ્ય યોગદાનની પ્રશંસા કરી હતી. વૈશ્વિક શાંતિ, સૌહાર્દ અને સહ-અસ્તિત્વના મુદ્દે શેખે મંદિરના સ્વામીઓ સાથે ચર્ચા કરવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.
બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી વતી વરિષ્ઠ સંત પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી અને સ્વામી ધર્મવત્સલદાસે શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસાનું પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું. 2022માં સાઉદી અરેબિયાના રિયાધ ખાતે સૌ પ્રથમવાર યોજાયેલી વૈશ્વિક આંતરધર્મીય કોન્ફરન્સ દરમિયાન શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસા અને પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી વચ્ચે મુલાકાત થઇ હતી ત્યારબાદ દિલ્હીના અક્ષરધામ મંદિર ખાતે બ્રહ્મવિહારીદાસજી સ્વામી સાથેની તેમની આ બીજી મુલાકાત થતાં તે પ્રસન્ન થઇ ગયા હતા.
અક્ષરધામ ખાતેના પરિક્રમા માર્ગ ઉપર વિશાળ પથ્થરોની ડિઝાઇન જોઇને અને સમગ્ર અક્ષરધામ મંદિરની ભવ્યતા અને ઠેર ઠેર ભવ્યાતિભવ્ય કોતરણી જોઇને શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસા ખુબ પ્રભાવિત થઇ ગયા હતા. ભગવાન સ્વામિનારાયણના જીવન, કાર્ય અને તેમના સંદેશ વિશે જાણવામાં તેમને ખૂબ રસ પડ્યો હતો, તદઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સ્તંભ ગણાતા પ્રમુખ સ્વામી મહારાજના જીવન, કાર્ય અને આધ્યાત્મિક સંદેશ વિશે જાણવાની પણ તેમની તીવ્ર ઇચ્છા હતી. આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરતાં શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસાએ કહ્યું હતું કે “તેમની આંખો જ બધું કહી દેતી હતી. શાંતિ અને સૌહાર્દનો સંદેશ તેમના શરીરના ઓજસમાંથી જ પ્રગટ થતો હતો”.
મંદિર પરિસરમાં શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસાએ ગજેન્દ્ર પીઠની મુલાકાત લીધી હતી અને ધાર્મિક સૌહાર્દ અને કૌટુંબિક એકતાના મૂલ્યોની ભારોભાર પ્રશંસા કરી હતી. હજારો વર્ષની વૈદિક સંસ્કૃતિ અને વસુધૈવ કુટુંબકમનો અંતિમ સંદેશ દર્શાવતી સંસ્કૃતિ વિહાર બોટની સહેલગાહ શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસાના હૃદયના ઊંડાણ સુધી ઉતરી ગઇ હતી. શાંતિપ્રિય વિશ્વ માટે એકસમાન લક્ષ્ય અને માનવીય સૌહાર્દના મૂલ્યો વિશે ચર્ચા કરવા માટે બ્રહ્મવિહારીદાસજી સ્વામીની સાથે બેસીને શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસાએ આનંદ વ્યકત કર્યો હતો. BAPS સંસ્થા દ્વારા હાલ વૈશ્વિક સ્તરે ચાલી રહેલાં સામાજિક અને આધ્યાત્મિક કાર્યોની પ્રશંસા કરતાં કરતાં શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ દ્વારા લેવામાં આવતી આધ્યાત્મિક પ્રતિજ્ઞાથી ભાવ વિભોર થઇ ગયા હતા.
અબુ ધાબી ખાતે બંધાઇ રહેલાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરની વિગતો અને માહિતી જાણીને પણ શેખ ખૂબ ખુશ થયા હતા. શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસાએ આ મુલાકાત પ્રત્યે પોતાનો સંપૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભારત વૈવિધ્યમાં એકતાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે અને દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાતમાં આ તમામ બાબતોનો સમાવેશ થઇ જાય છે. અક્ષરધામની મુલાકાત બાદ શેખ મોહંમદ બિન અબ્દુલ કરીમ અલ-ઇસાએ સ્વામી બ્રહ્મવિહારીદાસને રિયાધની યાત્રાએ આવવાનું આમંત્રણ આપ્યું હતું.