દેશના કેટલાક ભાગોમાં એક કિલો ટામેટાનો ભાવ રૂ.૨૦૦ની સપાટીએ પહોંચ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર પહેલી વખત દિલ્હી અને અન્ય કેટલાક શહેરોમાં શુક્રવારથી રાહત દરે ટામેટાનું વેચાણ શરૂ કરશે. દિલ્હી-એનસીઆરમાં એનસીસીએફ પોતાના આઉટલેટ્સ, મોબાઇલ વાન, મધર ડેરીના સફલ અને કેન્દ્રીય ભંડાર આઉટલેટ્સ દ્વારા ટામેટાનું વેચાણ કરશે. અન્ય દેશોમાં તે પોતાના આઉટલેટ્સ દ્વારા અથવા સ્થાનિક જોડાણની મદદથી રાહત દરે ટામેટા વેચશે.
સરકારે જણાવ્યું હતું કે, નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુ. ફેડરેશન દ્વારા ટામેટાનું વેચાણ હાથ ધરાશે. દિલ્હી-એનસીઆર (નેશનલ કેપિટલ રિજન), ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં ટામેટાનું રાહત દર વેચાણ કરવામાં આવશે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંઘે જણાવ્યું હતું કે, “પટના, વારાણસી, કાનપુર અ્ને કોલકાતા સહિતના શહેરોને ટામેટાના રાહત દરનો લાભ મળશે. જે તે વિસ્તારના વર્તમાન ભાવ કરતાં ઘણા નીચા ભાવે ટામેટનાનું વેચાણ કરાશે. ભાવ જે તે દિવસના બજાર ભાવની તુલનામાં ઓછામાં ઓછા ૩૦ ટકા સસ્તા હશે. કવાયતનો હેતુ ગ્રાહકોને રાહત આપવાનો છે.”
નાફેડ અને એનસીસીએફ કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ટામેટાના ઉત્પાદન કેન્દ્રો પાસેથી ખરીદી કરશે અને મોટો વપરાશ ધરાવતા કેન્દ્રોને વેચાણ કરશે.