કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનના વડપણ હેઠળ યોજાયેલી જીએસટી કાઉન્સિલની 50મી બેઠકમાં સંખ્યાબંધ નિર્ણય કરવામાં આવ્યા હતા. ઓનલાઇન ગેમિંગ કંપનીઓ, હોર્સ રેસિંગ અને કેસિનો પરના જીએસટીને 18 ટકાથી વધારીને 28 ટકા કરાયો છે, જ્યારે કેન્સર અને દુર્લભ બિમારીઓની સારવારમાં વપરાતી દવાઓને ટેક્સમાંથી મુક્ત કરી છે. તેનાથી આ દવાઓ સસ્તી થશે. આ ઉપરાંત ખાનગી કંપનીઓ દ્વારા સેટેલાઇટ લોન્ચ સર્વિસ, સિનેમાહોલમાં ફૂડ એન્ડ બેવરેજ, અનકૂક્ડ અને અનફ્રાઇડ સ્નેક પેલેટ, ફિશ સોલ્યુબલ પેસ્ટ, ઝરીના દોરા સહિતની વસ્તુઓના જીએસટી રેટ્સમાં ઘટાડાથી તે સસ્તી થશે.
કેન્દ્રીય નાણાપ્રધાનની આગેવાની હેઠળની તથા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની બનેલી જીએસટી કાઉન્સિલે સિનેમા હોલમાં ઓફર કરાતા ખાદ્યપદાર્થો અને પીણાં પર વસૂલવામાં આવતા સર્વિસ ટેક્સને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો હતો અને જીએસટી ઉપરાંતનો સેસ લાદવા માટે માટે એસયુવીની વ્યાખ્યામાં ફેરફાર કર્યો હતો.
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે હાલમાં સેસ વસૂલવા માટે એસયુવીની વ્યાખ્યામાં ચાર માપદંડનો સમાવેશ થાય છે, જેમાં તે SUV તરીકે જાણીતી હોવી જોઈએ, તે 4 મીટર કે તેથી વધુ લંબાઈની હોવી જોઈએ, 1,500cc અને તેથી વધુની એન્જિન ક્ષમતા અને ઓછામાં ઓછું 170 મીમી અનલેડ ગ્રાઉન્ડ ક્લિયરન્સનો સમાવેશ થાય છે. હવે એસયુવીની વ્યાખ્યામાં માત્ર તેની લંબાઈ(4 મીટર અને તેથી વધુ), એન્જિન ક્ષમતા (1,500 સીસી અને તેથી વધુ) અને ગ્રાઉન્ડ ક્લિયરન્સનો સમાવેશ થશે. સિનેમા હોલમાં પીરસવામાં આવતા ખાદ્યપદાર્થો અને પીણાં પર લાદવામાં આવતા ટેક્સ પર, GST કાઉન્સિલે 5 ટકા GST વસૂલવાનું નક્કી કર્યું છે.