ઉત્તર ભારતના રાજ્યોમાં અતિ ભારે વરસાદને પગલે દિલ્હીમાં યમુના નદીમાં જળસ્તર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચતા રાષ્ટ્રીય રાજધાનીમાં પૂરની અસાધારણ સ્થિતિ ઊભી થઈ છે. બુધવારે યમુનામાં પાણીનું સ્તરે 207.83 મીટરે પહોંચ્યું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદી કિનારના વિસ્તારમાં ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા. તેનાથી રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને તાકીદે સ્થળાંતર કરવાનો અનુરોધ કર્યો હતો.
વ્યસ્ત રિંગના રોડના મોટાભાગના વિસ્તારો પર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામ થયો હતો. ITO નજીક દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના હેડક્વાર્ટર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. દિલ્હીના કઢી માંડુ અને ઉસ્માનપુરા ગામોમાં ચાર ફૂટ પાણી ભરાયા હતા. સવારે 4 વાગ્યાથી વીજળી સપ્લાય કાપી નાંખવામાં આવ્યો હતો.
પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, દિલ્હી પોલીસે શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં CrPC કલમ 144 હેઠળ નિયંત્રણો લાદ્યા હતાં. સેન્ટ્રલ વોટર કમિશન (CWC)ના ફ્લડ-મોનિટરિંગ પોર્ટલ અનુસાર, જૂના રેલ્વે બ્રિજ પર બુધવારે સવારે 4 વાગ્યે પાણીનું સ્તર 2013 પછી પ્રથમ વખત 207-મીટરને વટાવી ગયું હતું. બુધવારે સાંજે 7 વાગ્યા સુધીમાં તે વધીને 207.83 મીટર થયું હતું. નદીમાં પાણીના સ્તરમાં હજુ વધારો શક્યતા છે, કારણ કે હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.
કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાણીના સ્તરમાંથી અચાનક વધારો થશે અને તમારા જીવન જોખમમાં મુકાઈ શકે છે તેથી નીચાણવાળા વિસ્તારમાંથી તમામ લોકોને સ્થળાંતર કરવાની અપી કરુ છું. યમુનાના જળસ્તરમાં વધુ વધારો ન થાય તે માટે દરમિયાનગીરી કરવાની કેન્દ્ર સરકારને કેજરીવાલે અપીલ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને લખેલા પત્રમાં તેમણે વિનંતી કરી હતી કે જો શક્ય હોય તો હરિયાણાના હથનીકુંડ બેરેજમાંથી પાણી મર્યાદિત ઝડપે છોડવામાં આવે. દિલ્હી થોડા અઠવાડિયામાં G-20 સમિટની બેઠકનું આયોજન થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરીને કેજરીવાલે જણાવ્યું હતું કે દેશની રાજધાનીમાં પૂરના ન્યૂઝથી વિશ્વને સારો સંદેશ મળશે નહીં. આપણે સાથે મળીને દિલ્હીના લોકોને બચાવવા પડશે.