80 વર્ષના યુએસ પ્રમુખ જો બાઇડેન યુકેની ઉડતી મુલાકાતે આવ્યા હતા અને ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા. જ્યાં મૈત્રીપૂર્ણ મીટિંગમાં બાઇડેને સુનકને યુએસ દ્વારા યુક્રેનને ક્લસ્ટર બોમ્બ આપવા અંગે માહિતગાર કર્યા હતા. તે પછી તેઓ વિન્ડસર કાસલ ખાતે કિંગ ચાર્લ્સને મળ્યા હતા. ટૂંકી મુલાકાત બાદ બાઇડેન લિથુઆનિયામાં મંગળવાર તા. 11ના રોજ શરૂ થનારી નાટો સમિટમાં જવા રવાના થયા હતા.
બાઇડેને ડાઉનિંગ સ્ટ્રીટના ગાર્ડનમાં વડા પ્રધાન ઋષિ સુનક સાથે બેઠક કરી હતી. બાઇડેને આ મુલાકાત દરમિયાન યુએસ-યુકેના સંબંધોને “રોક સોલીડ” ગણાવ્યા હતા અને “નજીકના મિત્ર અને મોટા સાથી સાથે મળી શકશે નહીં” એમ જણાવ્યું હતું. તો સુનકે બંને દેશોને “નાટોના બે સૌથી મજબૂત સાથી” ગણાવ્યા હતા. વડાપ્રધાન સુનકને મળ્યા ત્યારે બાઇડેને યુક્રેનને વિવાદાસ્પદ ક્લસ્ટર બોમ્બ સપ્લાય કરવાના યુએસના નિર્ણય અંગે જાણ કરી હતી જેના પર યુકે સહિત 100થી વધુ દેશો દ્વારા પ્રતિબંધ મૂકાયો છે. ડાઉનિંગ સ્ટ્રીટે ક્લસ્ટર બોમ્બ પૂરો પાડવાના નિર્ણય અને યુક્રેનના નાટોમાં જોડાવા બાબતે યુકેની સ્થિતિ પર અથડામણ થઇ હોવાનો ઇનકાર કર્યો હતો.
ક્લસ્ટર બોમ્બની યુએસ પ્રતિજ્ઞાના ઉલ્લેખ અંગે શ્રી સુનકના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’તે યુએસ માટે મુશ્કેલ પસંદગી હતી. પરંતુ આ નિર્ણય રશિયાના આક્રમણથી તેમના પર આવેલા દબાણના કારણે કરવામાં આવ્યો હતો. સુનક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકતા આંતરરાષ્ટ્રીય સંમેલન હેઠળ યુકેની જરૂરિયાતોને સમર્થન આપી રહ્યા છે.”
સુનકને મળ્યા બાદ તેઓ કિંગ ચાર્લ્સ સાથે હવામાન પરિવર્તન વિશે ચર્ચા કરવા તથા ચા માટે વિન્ડસર કાસલ ખાતે રાજાને મળ્યા હતા. બાઇડેન વાટાઘાટો માટે કિલ્લામાં પ્રવેશે તે પહેલા વેલ્સ ગાર્ડ્સ દ્વારા યુએસ રાષ્ટ્રગીત રજૂ કરાયું હતું અને શાહી સલામી અપાઇ હતી.
કિંગ ચાર્લ્સ અને જો બાઇડેને ક્લાઈમેટ ફાઇનાન્સ વિશે વાત કરવા માટે ફાઇનાન્સર્સ અને ફિલાન્થ્રોપીસ્ટ્સ સાથે મુલાકાત પણ કરી હતી. તે પ્રસંગે યુકેના એનર્જી સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ અને બાઇડેનના ખાસ ક્લાઇમેટ એન્વોય જોન કેરી પણ હાજર રહ્યા હતા.
કિંગ સાથે રાષ્ટ્રપતિની મુલાકાત આ વર્ષની શરૂઆતમાં ફોન પર થયેલી વાતચીત પછી થઇ હતી. જેને બાઇડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, જેક સુલિવાને ‘અવિશ્વસનીય રીતે હુંફભરી’ હોવાનું વર્ણવ્યું હતું.
શ્રી સુલિવાને કહ્યું હતું કે ‘’રાષ્ટ્રપતિ ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જ મુદ્દે રાજાની પ્રતિબદ્ધતા માટે ‘વિશાળ સન્માન’ ધરાવે છે. કિંગ ચાર્લ્સ આબોહવા બાબતે ‘ક્લિયર વોઈસ’ ધરાવે છે અને ‘પગલાં લેનાર અને પ્રયત્નો એકત્ર કરનાર વ્યક્તિ છે. તેથી રાષ્ટ્રપતિ તેમના પ્રતિ પ્રચંડ સદ્ભાવના ધરાવે છે.”
મિસ્ટર બાઇડેને છેલ્લે નવેમ્બર 2021માં ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ સમિટમાં કિંગ ચાર્લ્સ સાથે ઔપચારિક વાતચીત કરી હતી. તેમણે સપ્ટેમ્બરમાં રાણી એલિઝાબેથ II ના સ્ટેટ ફ્યુનરલમાં હાજરી આપી હતી, પરંતુ કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેકમાં આવ્યા ન હતા. પરંતુ તેમના બદલે તેમની પત્ની જીલ આવ્યા હતા.
ડાઉનિંગ સ્ટ્રીટની રાષ્ટ્રપતિ તરીકેની તેમની પ્રથમ મુલાકાત પહેલાં, બાઇડેન રવિવારની રાત્રે સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ‘એર ફોર્સ વન’ દ્વારા આવી પહોંચ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન પર ‘બ્રિટિશ વિરોધી’ હોવાનો આરોપ છે. કેમ કે આટલા મહિનામાં તેમની પાંચમી મીટિંગ હોવા છતાં, મિસ્ટર બાઇડેન મોટાભાગે યુકેના મંતવ્યોને અવગણી રહ્યા છે. બાઇડેન નંબર 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે માત્ર 42 મિનિટ રોકાયા હતા.